• રવિવાર, 31 મે, 2026

રાહુલ લોકસભા માટે તૈયારી કરે છે

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : કર્ણાટકમાં મુખ્યપ્રધાન બદલવા પાછળ રાહુલ ગાંધીની નજર બેંગલુરુ કરતાં નવી દિલ્હી ઉપર વધુ છે. ગમે તે ભોગે ભાજપની આગેકૂચ - અશ્વમેધને કર્ણાટકમાં રોકવાનો વ્યૂહ છે. છેલ્લા લગભગ ચાર દશકમાં કર્ણાટકમાં કોઈપણ પક્ષની સરકાર બીજી મુદ્દત માટે ચૂંટાઈ નથી - હવે 2028માં કોંગ્રેસને બીજી મુદ્દતની સત્તા મળે તો 2029માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સંખ્યાબળ દક્ષિણ ભારતમાં વધી શકે અને તેની અસર સમગ્ર દેશ ઉપર પડી શકે એવી ધારણા છે. રાહુલ ગાંધીનું લક્ષ્ય લોકસભા છે અને તે સિદ્ધ કરવા માટે તેઓ આગળ વધી રહ્યા છે. અલબત્ત, ઘણો આધાર 2028માં કર્ણાટકની ચૂંટણીનાં પરિણામ ઉપર હશે. આ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીની પૂર્વતૈયારી પણ શરૂ થવાની શક્યતા છે. સિદ્ધારામૈયાએ નારાજીનામું તો આપ્યું છે, પણ તેના કરતાં વધુ મહત્ત્વની બાબત રાજ્યસભાની બેઠકનો અસ્વીકાર કર્યો તે છે ! રાહુલ ગાંધીએ એમને મનાવી લેવા માટે રાજ્યસભાની બેઠક અને રાષ્ટ્રીય તખ્તા ઉપર મહત્ત્વનાં સ્થાનની ઓફર કરી હતી, પણ સિદ્ધારામૈયા - નીતિશકુમાર નથી ! એમણે રાજ્યમાં જ રહેવાની જાહેરાત કરી છે અર્થાત્ કર્ણાટક કોંગ્રેસ સમિતિ અને સરકાર ઉપર એમની `નજર' રહેશે જ. મુખ્યપ્રધાન શિવકુમારની સરકાર ઉપર `ગ્રહણ' જારી રહેશે ? એમણે હાઈ કમાન્ડ સામે બગાવત જાહેર કરી નથી, પણ રાહુલ ગાંધી ઓફર કરે અને તે સ્વીકારવાની ના પાડે, રાષ્ટ્રીય રાજકારણનું પ્રલોભન પણ છોડીને પ્રાદેશિક સ્તર ઉપર સક્રિય રહેવા માગે તે નાનીસૂની વાત નથી ! હાઈકમાન્ડ સચિંત હશે જ. 2023માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કટોકટી હતી. ભાજપનો પડકાર ગંભીર હતો ત્યારે શિવકુમાર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા અને કોંગ્રેસના વિજયમાં એમનું યોગદાન મહત્ત્વનું હતું. મુખ્યપ્રધાનપદના દાવેદાર સિદ્ધારામૈયા પણ હતા ત્યારે જુનિયર શિવકુમારને નાયબ મુખ્યપ્રધાનપદ આપવામાં આવ્યું, પણ `વણલખી સમજૂતી' હતી કે વારાફરતી - અઢી વર્ષ પછી એમને મુખ્યપ્રધાન બનાવાશે. આ મુદ્દત પૂરી થવા આવી ત્યારે - નવેમ્બરથી વિવાદ શરૂ થયો અને કોઈ સમજૂતી નહીં હોવાની દલીલ થઈ ! અઢી વર્ષ પહેલાં પણ સિદ્ધારામૈયાએ કહ્યું હતું કે `વારાફરતી' વ્યવસ્થા હોય તો હું શિવકુમારને કેબિનેટમાં લેવા તૈયાર નથી ! આખરે રાહુલ ગાંધી સાથે ખાનગી - બંધબારણે મુલાકાત થઈ ત્યારે કોંગ્રેસના `કાર્યવાહક' પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી પણ હાજર નહોતાં. અન્ય જાણકાર નેતા જેઓ `િસદ્ધા'ની નજીકના છે, એમના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ એમને રાજીનામું આપવા જણાવ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. એમને આશા હતી કે આવું નહીં થાય, પણ રાહુલ ગાંધીએ કહ્યું : `તમે મને સાથ આપો. 2029માં લડવું છે અને તમે સાથે હશો તો કેન્દ્ર સામે લડવા માટે શક્તિ મળશે' અને સિદ્ધા તૈયાર થયા, પણ જાહેરાત નવી દિલ્હીમાં નહીં, બેંગલુરુમાં જ થશે. તારીખ અને સમય પણ અમે નક્કી કરીશું એમ જણાવ્યું, તે પછી રાહુલ ગાંધીના વિશ્વાસુ કે. સી. વેણુગોપાલન હાઈકમાન્ડ વતી જાહેરાત કરી નહીં શક્યા. સમજૂતી મુજબ સિદ્ધાના પુત્ર તથા અન્ય વફાદાર પ્રધાનોને કેબિનેટમાં સ્થાન આપવાની સમજૂતી થઈ. આ પછી સિદ્ધરામૈયાએ જાહેરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગેનો આભાર માન્યો ત્યારે હાઈકમાન્ડના જીવ જાણે હેઠા બેઠા ! કર્ણાટકનાં `પરિવર્તન' પહેલાં રાહુલ ગાંધીનું મન - દિમાગ અને વ્યૂહ - વિચાર બદલાયા હતા ! તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં પણ ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો ત્યારે ભારે આંચકો - આઘાત લાગ્યો હતો. તામિલનાડુની ચૂંટણી દરમિયાન જ એમને ખાતરી થઈ હતી કે ડીએમકે - સ્ટાલીનનો યુગ હવે પૂરો થયો છે. નયા જમાનામાં અભિનેતા - સુપરસ્ટાર વિજયની બોલબાલા છે અને એમની સાથે રહેવામાં - સમજૂતી કરવામાં લાભ છે. લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો ફાળવાશે અને જીતાશે પણ ખરી. ડીએમકે ભલે દગાખોરીના આક્ષેપ કરે ! એક બાબત નિશ્ચિત છે કે લોકસભાની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધી જૂના વિચાર અને સંબંધ બદલવા માગે છે. કેરળમાં એમના સૌથી વધુ વિશ્વાસુ વેણુગોપાલનને બાજુએ ખસેડીને સથીસનને મુખ્યપ્રધાન બનાવ્યા, કારણ કે તમામ પક્ષો અને જનતામાં પણ તે લોકપ્રિય છે. લોકસભાની ચૂંટણીમાં મદદરૂપ હશે. નોંધપાત્ર બાબત એ છે કે રાહુલ ગાંધી અત્યાર સુધી એમણે કરેલી ભૂલો સુધારવા માગે છે. પંજાબમાં કેપ્ટન અમરીંદરસિંઘને ચૂંટણી પહેલાં દૂર કરીને નવજોત સિદ્ધુને પહેલાં ઉપસાવ્યા એ પછી ચરણજિત ચન્નીને બેસાડયા, તેથી કોંગ્રેસ ધોવાઈ ગઈ અને આમ આદમી પાર્ટીને સત્તા મળી ગઈ ! ભૂતકાળમાં છત્તીસગઢમાં ભૂપેશ બાઘેલ અને ટીએસ સિંઘદેવ વચ્ચે ગજગ્રાહ થયો ત્યારે એવી છાપ પડી હતી કે હાઈકમાન્ડ ઉપર દબાણ કરો તો તે ઝૂકી જાય છે ! રાજસ્થાનમાં સચિન પાયલટનો વારો હતો, પણ અશોક ગેહલોત ખુરસી છોડવા તૈયાર નહોતા ! સિદ્ધરામૈયાના કેસમાં ત્રણ મુદ્દા મહત્ત્વના હતા. રાજ્યોમાં ભાજપે યુવા નેતાઓને પ્રાધાન્ય આપવાની શરૂઆત કરી છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ પછી કેરળમાં પણ પ્રમાણમાં યુવા - નવા ચહેરાની પસંદગી થઈ છે. કર્ણાટકમાં 2028માં ચૂંટણી થાય ત્યારે સિદ્ધાની વય 80 વર્ષની હશે તેથી સરખામણીમાં શિવકુમાર યુવા છે ! બીજું, ગંગોત્રીથી ગંગાસાગર સુધી - ઉત્તર અને પૂર્વ તથા પશ્ચિમમાં ભાજપે લોકપ્રિયતા અને સત્તા મેળવી છે. હવે દક્ષિણ ભારતમાં પણ પ્રભાવ પ્રસરી રહ્યો છે, ત્યારે કેરળ એકમાત્ર છે, જ્યાં કોંગ્રેસ સરકાર છે. કર્ણાટકમાં કોંગ્રેસનાં ભવ્ય ભંગાણ પછી સંસ્થા કોંગ્રેસની સરકાર હતી. વીરેન્દ્ર પાટિલ અને રામકૃષ્ણ હેગડે મુખ્ય નેતાઓ હતા, પણ કોંગ્રેસે રાજ્યમાં સત્તા મેળવી લીધી ! ઇમર્જન્સી પછી પેટાચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને કર્ણાટકમાં રાજ્યાશ્રય મળ્યો હતો. હવે કોંગ્રેસના હાથમાં સત્તા છે તે જાળવી રાખવા માટે અને લોકસભામાં સંખ્યાબળ વધારવા માટે કર્ણાટકનું મહત્ત્વ છે. ત્રીજો મુદ્દો વણલખી સમજૂતીનો છે. પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ તથા મધ્યપ્રદેશમાં પણ યુવા નેતાઓ - નાયબ મુખ્યપ્રધાન હોવા છતાં મુખ્યપ્રધાન બની શક્યા નહીં. રાહુલ ગાંધી યુવાન હોવા છતાં આવો અન્યાય થાય છે એવી ટીકા હતી - હવે સુધારો થયો છે ! ભાજપ ઉપરાંત કોક્રોચસેનાને હરાવવી પડશે !  શિવકુમારની તરફેણમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા વડરાએ દબાણ કર્યાથી પરિવર્તન સરળ બન્યું છે. મની લોન્ડરિંગના કેસમાં શિવકુમાર જેલમાં હતા, ત્યારે સોનિયા ગાંધી એમને મળવા અને `નૈતિક સમર્થન' આપવા પણ ગયાં હતાં. સિદ્ધરામૈયા રાજીનામું આપ્યા પછી બેંગલુરુમાં જ છે અને રહેશે તેથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને 2028ની વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારોની પસંદગીમાં એમની ભલામણ સ્વીકારવી પડશે. જાતિવાદની દૃષ્ટિએ પણ એમને ઘણું સમર્થન છે, તેથી એમને અવગણી નહીં શકાય. કુરુબાસ સમાજ ઉપરાંત મુસ્લિમ અને અ.જા. સમાજ તથા ઘણી પછાત જાતિઓ એમની સાથે છે એમણે અવશક્ષમફ - અહિંડા વ્યૂહ અજમાવીને લઘુમતીઓ, પછાત જાતિઓ અને વંચિત સમાજમાં ભારે લોકપ્રિયતા મેળવી છે, તેથી કોંગ્રેસ અવગણી નહીં શકે. સિદ્ધાને સત્તા ઉપરથી હઠાવાયા તેની નારાજી તો છે. હવે કર્ણાટક કોંગ્રેસમાં અને લોકોમાં તેની કેવી અસર પડે છે તે જોવાનું છે... 

Panchang

dd