નવી દિલ્હી, તા. 31 : દેશના નવા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ એનએસ રાજા સુબ્રમણિએ રવિવારે પદભાર સંભાળી લીધો
હતો. દિલ્હીમાં સાઉથ બ્લોક લોન્સમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જનરલ અનિલ ચૌહાણનું
સ્થાન લેનાર જનરલ સુબ્રમણિ દેશના ત્રીજા સીડીએસ છે. પદભાર સંભાળ્યા પછી તેમણે કહ્યું
હતું કે, ભારતીય સેના, નૌકાદળ,
વાયુદળ, સંરક્ષણ મંત્રાલય દેશની સુરક્ષા મજબૂત
કરવા એકજૂટ છે. સુબ્રમણિએ કહ્યું હતું કે, ભારતીય સેનામાં સ્વદેશી
હથિયારો, ઉપકરણોની ખરીદી અને ઉપયોગની પ્રક્રિયા તેજ કરાશે. નવા
સીડીએસ સામે પહેલું કામ થિયેટર કમાન્ડ મોડેલને લાગુ કરવાનું રહેશે. આ મોડેલની વિવિધ
સ્તરે સમીક્ષા પણ જારી છે. અત્યારે ભારતમાં ત્રણેય સેનાના અલગ અલગ કુલ્લ 17 કમાન્ડ છે. કોઇ સૈન્ય અભિયાન
દરમ્યાન ત્રણેય સેના મળીને કામ કરે છે. જો કે, તેના કમાન્ડ અલગ અલગ રહે છે. થિયેટર કમાન્ડ વ્યવસ્થામાં કોઇ ક્ષેત્ર કે મિશન
માટે એક જ કમાન્ડર હશે. સેનાની ત્રણેય શાખા સાથે કામ કરશે.