ભુજ, તા. 31 : મુંદરા તાલુકાના ભુજપુર પાસે
આજે ટ્રક અને સ્કોર્પિયો કારના ગોઝારા અકસ્માતમાં નિર્મલ ગેસ એજન્સીવાળા આશાસ્પદ એવા
45 વર્ષીય યુવાન હરેશભાઈ હીરજી
સીજુનું ગંભીર ઈજાનાં પગલે મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી છે. આ અકસ્માતમાં તેમની સાથેના
તેમના ત્રણ કર્મચારી પણ ઘાયલ થયાની વિગતો પ્રાપ્ત થઈ છે. મુંદરામાં ઉમિયાનગરમાં રહેતા
અને નિર્મળ ગેસ એજન્સીવાળા સેવાભાવી એવા હરેશભાઇ સીજુ તેમની પાસે કામ કરતા કર્મચારીઓ
સાથે માંડવીથી પરત મુંદરા તેમની સ્કોર્પિયો કાર નં. જી.જે.-12-એફ.એફ.- 8821વાળી સાથે આજે સાંજે આવી રહ્યા
હતા અને ભુજપુર પાસેની ગેલડા ચોકડી પાસે પહોંચતાં ટ્રકના ઠાંઠામાં તેમની સ્કોર્પિયો
ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયોનો ઉપરનો ભાગ બૂકડો વળી ગયો હતો. આ ગોઝારા
અકસ્માતમાં ગંભીર ઇજાનાં પગલે હરેશભાઇનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી હતી. સામાજિક
રીતે અગ્રેસર અને સેવાભાવી હરેશભાઇ સાથે સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર મળતાં પરિજનો
અને મિત્રો હોસ્પિટલમાં ધસી ગયા હતા. આ અકસ્માતમાં સ્કોર્પિયોમાં હરેશભાઈ સાથેના તેમના
કર્મચારી એવા સુનીલ માંજુ (ઉ.વ. 40) અને સુરેશકુમાર
પ્રતાપરામ (ઉ.વ. 30) (રહે. બન્ને
આશાપુરા કોલોની, નાના કપાયા, તા. મુંદરા) ગંભીર રીતે ઘાયલ થતાં બન્નેને મુંદરામાં પ્રાથમિક સારવાર અપાયા
બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા છે. પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી
આદરી છે.