નવી દિલ્હી, તા. 31 : રવિવારે જાહેર
કરાયેલા એક સર્વે મુજબ, ભારતની આરોગ્યસંભાળ
વ્યવસ્થા `દર્દીઓની
મૂંઝવણની કટોકટી'નો સામનો કરી
રહી છે, જેમાં દિલ્હી-એનસીઆરમાં લગભગ 10માંથી આઠ દર્દીઓ ડોકટરોની મુલાકાત લીધા
પછી ગૂગલ અથવા સોશિયલ મીડિયાનો સહારો લે છે. કારણ કે, તેઓ તેમની બીમારી, સારવાર
અથવા આગળના પગલાંને સંપૂર્ણપણે સમજ્યા વિના પરામર્શ છોડી દે છે. દિલ્હી, નોઈડા, ગુડગાંવ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં 1,000 લોકેમાંથી ભારતીય દર્દી નેવિગેશન
એન્ડ કન્ફ્યુઝન ઇન્ડેક્સ, 2026 દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, 73.8 ટકા દર્દીએ પરામર્શ દરમિયાન
મૂંઝવણ અનુભવી હતી, જ્યારે 78.5 ટકા દર્દીએ પરામર્શ દરમિયાન
પરીક્ષણો અથવા નિષ્ણાત રેફરલ્સ વિશે સ્પષ્ટતા માટે પાછળથી ઓનલાઇન કે સોશિયલ મીડિયા
પર શોધખોળ કરી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું
હતું કે, ઘણા દર્દીઓને ડોક્ટરની ચેમ્બર છોડ્યા પછી ક્યાં
જવું તે સમજવામાં મુશ્કેલી પડે છે - પછી ભલે તે પરીક્ષણો, સ્કેન,
દવાઓ અથવા વધુ સારવાર માટે હોય - જે હોસ્પિટલોમાં દર્દી માર્ગદર્શન અને
સંદેશાવ્યવહારની ખામીને ઉજાગર કરે છે. લગભગ 70 ટકા લોકોએ કહ્યું હતું કે,
તેમને સંભાળના આગામી પગલાં વિશે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી.
72 ટકાથી વધુ લોકોએ કહ્યું હતું
કે, હોસ્પિટલો દર્દી સહાય ડેસ્ક, સંયોજકો, હેલ્પલાઇન અથવા ડિજિટલ માર્ગદર્શન સાધનો જેવી
સહાયક પ્રણાલીઓ પ્રદાન કરતા નથી, જે પરિસ્થિતિને વધતી જતી `દર્દી નેવિગેશન કટોકટી' તરીકે વર્ણવવામાં આવી છે, જ્યાં દર્દીઓ આરોગ્યસંભાળ પ્રણાલીમાં પ્રવેશ કરે છે, પરંતુ ઘણીવાર તેમને બધું જાતે જ મેનેજ કરવા માટે છોડી દેવામાં આવે છે. એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઇન્ડિયાના ડો.
સુનિલ ખેતરપાલે જણાવ્યું હતું કે, દર્દીઓ ઘણીવાર પરામર્શ દરમિયાન
ઉતાવળ અનુભવે છે અને યોગ્ય માર્ગદર્શન વિના એક વિભાગથી બીજા વિભાગમાં જાય છે. ઇન્ડિયન
મેડિકલ એકેડેમી ફોર પ્રિવેન્ટિવ હેલ્થના પદ્મશ્રી ડો. મોહસીન વાલીએ જણાવ્યું હતું કે,
યોગ્ય રેફરલ સિસ્ટમ અને દર્દી માર્ગદર્શનનો અભાવ મૂંઝવણ અને બિનજરૂરી
આરોગ્યસંભાળ ખર્ચમાં વધારો કરી રહ્યા છે. 56 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને આરોગ્યસંભાળ સેવાઓમાં નેવિગેટ
કરતી વખતે સૌથી વધુ મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના
ઇન્ટરનલ મેડિસિનના સિનિયર કન્સલ્ટન્ટ ડો. સુરનજીત ચેટર્જીએ જણાવ્યું હતું કે, આજે દર્દીઓ માત્ર સારવાર જ નહીં, પણ તેમની બીમારી અને સંભાળની યાત્રા વિશે સ્પષ્ટતા પણ ઇચ્છે છે.