• સોમવાર, 01 જૂન, 2026

ડી.કે. શિવકુમાર પર દાવ રમવા પાછળ કોંગ્રેસની લાંબી ગણતરી

છેલ્લા કેટલાક સમયથી પક્ષના આંતરિક બાબતોમાં અઘરા નિર્ણય ટાળતા રહેવાની નીતિ અખત્યાર કરનાર રાહુલ ગાંધીએ આખરે કર્ણાટકમાં હિંમત બતાવીને પક્ષની સરકારનો ચહેરો બદલાવ્યો છે. મુખ્યમંત્રી એન. સિદ્ધારમૈયાએ રાજીનામું આપીને  સરળતાથી ડી.કે. શિવકુમારને શાસનધુરાની સોંપણી કરી છે.  શિવકુમાર ત્રીજી જૂને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.ચૂંટણીઓમાં એક પછી એક કારમા પરાજયને લીધે કોંગ્રેસના હાઇકમાન્ડનો આત્મવિશ્વાસ હચમચાવી ગયો હતો. જે કેરળ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત પછી પુન: મજબૂત બન્યો છે. અહીં એ નોંધનીય છે કે, મોવડી મંડળના આદેશ પર કોઇ મુખ્યમંત્રી ખુરશી છોડીને અનુગામીને સત્તાનું હસ્તાંતરણ કરે એવું 22 વર્ષ પહેલાં બન્યું હતું. 2004માં કેરળના મુખ્યમંત્રી એ. કે. એન્ટોનીએ તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના કહેવાથી સહજતાથી ઓમન ચાંડી માટે રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપનાર સિદ્ધારમૈયાએ રાજ્યસભામાં ચૂંટાઇને દિલ્હીની રાજનીતિની ઓફર નકારી કાઢીને અને કર્ણાટકના રાજકારણમાં જ રહેવાની મરજી જાહેર કરી છે. આમ તો 2023ની ગઇ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપનો ગઢ ધ્વસ્ત કરીને કર્ણાટકમાં ફરી સત્તા હસ્તગત કરી એ સફળતામાં ડી.કે. શિવકુમારની મોટી ભૂમિકા હતી. તેમના ઊર્જાવાન નેતૃત્વએ રાજ્યના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ચેતનાનો સંચાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય એજન્સીઓના તપાસના દબાણનોય સામનો કરવો પડયો હતો. ચૂંટણીના પરિણામો પછી ડી.કે.એ પોતાને મુખ્યમંત્રીપદે જોવા માટે કાર્યકર્તાઓ આતુર હોવાનો મત જાહેરમાં પ્રગટ કર્યો હતો, છતાં કોંગ્રેસ મોવડી મંડળે તેમને નજરઅંદાજ કરીને નાયબ સીએમ પદ આપ્યું અને મુખ્યમંત્રીની ખુરશીએ સિદ્ધારમૈયાને  બેસાડયા હતા. ત્રણ વર્ષ પછી કોંગ્રેસ નેતૃત્વને આવનારી નવી ચૂંટણીનો અંદાજ આવી ગયો હોય તેમ ડી.કે. શિવકુમારને રાજ્યની બાગડોર સોંપી દીધી છે. કોંગ્રેસે યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારને પસંદ ન કરવાની ચૂક ભૂતકાળમાં કરી છે અને એની કિંમતે ચૂકવી છે. કર્ણાટકમાં  સત્તાના સમીકરણ બદલાયા પછી કોંગ્રેસમાં તેના વમળ અનુભવાઇ રહ્યાં છે. સિદ્ધારમૈયાના સમર્થકો દ્વારા થતાં વિરોધ પ્રદર્શન પક્ષ માટે ચિંતાનો વિષય છે. અલબત્ત મળતા સંકેતો મુજબ નવા પ્રધાનમંડળમાં સિદ્ધારમૈયાના વફાદારોને પણ સ્થાન મળવાની સંભાવના છે. ડી.કે. શિવકુમાર સામે હવે કર્ણાટકની બાગડોર સંભાળીને સુશાસન સ્થાપવા ઉપરાંત 2028ની આવનારી ચૂંટણી માટે પક્ષને તૈયાર કરવાનો અને કોંગ્રેસમાં  બધાનો વિશ્વાસ જીતવાનો એમ ત્રેવડો પડકાર છે. કર્ણાટક અગાઉ ભાજપનો ગઢ રહી ચૂક્યું છે એટલે હવેની પરીક્ષામાં શાસન વિરોધી પરિબળો ન ઉદ્ભવે એ પણ ડી.કે.એ જોવું રહ્યું. એ ધ્યાન રહે કે, કોંગ્રેસ સમક્ષ સૌથી મોટો પડકાર પછાત વર્ગો લઘુમતી અને અંત્યજોનું સમર્થન જાળવી રાખવાનો છે. આ વર્ગોમાં સિદ્ધારમૈયાની મજબૂત પક્કડ રહી છે. કર્ણાટક ભાજપ માટે દક્ષિણનું પ્રવેશદ્વાર રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના કહેવા મુજબ રાજ્યમાં નેતૃત્વ માટે શીતયુદ્ધથી મોટું નુકસાન થશે એ ખતરો હાઇકમાન્ડે  વર્તી લીધો અને સક્ષમ ડી.કે. શિવકુમારને સૂત્રધાર બનાવી દીધા છે. ડી.કે. યુવા તેજતર્રાર નેતા છે. સિદ્ધારમૈયા અને તેમના ગ્રુપ સાથે તાલમેલ બેસાડીને રાજ્યના વિકાસ માટે  સારાં કામો થાય એ કોંગ્રેસના હિતમાં છે. 

Panchang

dd