• મંગળવાર, 19 મે, 2026

કિશન (70)ની કમાલ : હૈદરાબાદ પ્લેઓફમાં

ચેન્નાઈ, તા. 18 : અહીં ચેપોક સ્ટેડિયમ પર ખેલાયેલા નિર્ણાયક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પાંચ વિકેટ વિજય મેળવીને સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લઓફમાં સ્થાન મેળવી લીધું હતું. ચેન્નાઈએ આપેલું લક્ષ્ય એક ઓવર બાકી હતી ત્યારે જ સનરાઈઝર્સે આંબી લીધું હતું. ઈશાન કિશન (70) આજના વિજયનો શિલ્પી બન્યો હતો. લક્ષ્યવેધનાં લક્ષ્ય સાથે મેદાન પર ઊતરેલી હૈદરાબાદે 56 રને બે વિકેટ ખોયા પછી ક્રીઝ પર જામી ગયેલા ઈશાન અને હેનરિક ક્લાસેન (47)એ ત્રીજી વિકેટ માટે 41 દડામાં 75 રનની ભાગીદારી સાથે દાવને ગતિ આપી હતી. કિશને કમાલની બેટિંગ કરતાં 47 દડામાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 70 રન ફટકારી દીધા હતા. સામો છેડો સાચવતાં ક્લાસેને 26 દડામાં છ ચોગ્ગા, બે છગ્ગા સાથે ઉપયોગી 47 રન કર્યા હતા. અભિષેક શર્માએ 21 દડામાં ત્રણ ચોગ્ગા, એક છગ્ગા સાથે જામવાના પ્રયાસમાં યાનસનને કેચ દઈ વિકેટ ખોઈ દીધી હતી. આજે ચેન્નાઈનો એક પણ બેટધર અર્ધસદી કરી શક્યો નહતો. સુકાની પેટ કમિન્સે ત્રણ વિકેટ લીધી હતી. અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સના 7 વિકેટે 180 રન થયા હતા. સીએસકેની આઇપીએલ-2026 સિઝનની હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર આ છેલ્લી મેચ છે. આ મેચમાં પણ ટીમનો મહારથી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઊતર્યો ન હતો. ચાહકોને આશા હતી કે, થાલા ચેપોક પર અંતિમ મેચમાં પોતાનો જલવો બતાવશે, ધોની સ્ટેડિયમમાં હાજર હતો, પણ મેદાનમાં ઊતર્યો ન હતો. ધોની વિશે કપ્તાન ઋતુરાજે ટોસ વખતે જણાવ્યું હતું કે, તે હજુ અનફિટ છે. સનરાઇઝર્સ સામે સીએસકેની શરૂઆત નબળી રહી હતી અને પાવર પ્લેમાં સંજુ સેમસન (27) અને ઉર્વિલ પટેલ (13)ની વિકેટ ગુમાવી દીધી હતી. આથી 6 ઓવરમાં 2 વિકેટે પ7 રન થયા હતા. કપ્તાન ઋતુરાજનું ખરાબ ફોર્મ યથાવત્ રહ્યું હતું. તેણે 21 દડામાં 1પ રનની ધીમી ઈનિંગ રમી હતી. કાર્તિક શર્માએ 19 દડામાં 3 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 32, ડેવાલ્ડ બ્રાવિસે 27 દડામાં 2 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 44 અને શિવમ દુબેએ 23 દડામાં 3 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 26 રન કરી સીએસકેનો સ્કોર 180 રન સુધી પહોંચાડયો હતો. સનરાઇઝર્સ તરફથી કપ્તાન કમિન્સે 28 રનમાં 3 વિકેટ ઝડપી હતી. સાકિબ હુસેનને 2 વિકેટ મળી હતી.

Panchang

dd