ગાંધીધામ, તા. 18 : મહાનગરપાલિકાની સ્વભંડોળની આવક નથી અને જે આવક થઈ રહી
છે, તેમાં કચેરીનો વહીવટ માંડ-માંડ ચાલી
શકે તેમ છે, તે વચ્ચે રખડતા ઢોર પકડવામાં મહાનગરપાલિકાના વહીવટી
તંત્રે એજન્સીને માલામાલ કરી દીધી છે. પ્રતિ ઢોર પકડવા માટે મહાપાલિકા દ્વારા ચૂકવાતી
રકમ સંભવત સમગ્ર રાજ્યમાં વધુ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. નગરપાલિકા સમયે ચૂકવાતી રકમ અને મહાપાલિકા સમયે ચૂકવાતી રકમમાં વ્યાપક અંતર છે, તેમ
છતાં શહેરમાં રખડતા ઢોરની સ્થિતિ જૈસે થે છે.
આઠ મહિનામાં 1492 ઢોર
પકડાયા
રખડતા ઢોર
પકડવાની કાર્યવાહી ઉપર એક નજર કરીએ,
તો જુલાઈ 2025થી લઈને ફેબ્રુઆરી
2026 દરમિયાન સુધીમાં 1492 ઢોર પકડવાના એજન્સીને 1.16 કરોડથી વધુ રૂપિયાનું ચૂકવણુ થઈ ચૂક્યું હોવાનું જાણવા
મળી રહ્યું છે. ગત વર્ષમાં હજુ માર્ચ મહિનાનું લાખો રૂપિયાના બિલનું ચૂકવણુ બાકી છે. ગુજરાતની લગભગ 150ની આસપાસની નગરપાલિકા અને નવી બનેલી મહાનગરપાલિકાઓ પૈકી સંભવત ગાંધીધામ મહાનગરપાલિકાના
વહીવટી તંત્ર દ્વારા એક ઢોર પકડવા પાછળ 6750 રૂપિયાનું
ચૂકવણુ કરાય છે. એજન્સીના અધધધ.. રૂપિયાનું ચૂકવણુ થાય છે, તેમ છતાં રખડતા ઢોર માર્ગો ઉપર યથાવત્
છે, જેના પગલે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સામે સવાલો ઊઠી રહ્યા
છે.
તિજોરીની સફાઈ સામે રખડતા ઢોરની સમસ્યા યથાવત્
ઢોર
પકડવાની ટેન્ડર પ્રક્રિયા જુલાઈ 2025માં થઈ છે. ત્યારથી
એજન્સીને આ કામગીરી સોંપી છે. તત્કાલીન સમયે ટેન્ડરમાં જ ક્ષતિ રહી હોવાનું જાણકારો
કરી રહ્યા છે. વ્યાપક રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. તિજોરીમાંથી લાખો રૂપિયાની સફાઈ
થઈ રહી છે, પરંતુ રોડ ઉપરથી
ઢોર દૂર થતા નથી. અત્યાર સુધીમાં કુલ 2083 ઢોર
પકડવામાં આવ્યા છે, તેમાંથી એજન્સી મારફતે 1492 ઢોરને
અલગ-અલગ ગૌશાળાઓમાં મોકલવામાં આવ્યા છે,
જ્યારે 235 ઢોર ગૌશાળાઓ પોતે
રામલીલા મેદાનથી લઈ ગઈ હોવાનું જાણવા મળે છે. નવનિયુક્ત કમિશનર આ આખા કોન્ટ્રાક્ટરની
સમીક્ષા કરે તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
દોઢ મહિનામાં 100થી
વધુ ઓનલાઈન ફરિયાદ
ગાંધીધામ,
તા. 18 : રખડતા ઢોરને પકડીને
રામલીલા મેદાન અને ત્યાંથી ગૌશાળામાં મોકલવા સુધીનો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં
આવ્યો છે, છતાં જમીન ઉપર કોઈ સુધારો દેખાતો નથી.
દોઢ મહિના દરમિયાન એપ ઉપર 100થી
વધુ રખડતા ઢોરની ફરિયાદ આવી છે. જો વ્યવસ્થિત રીતે ઢોર પકડવાની કામગીરી થતી હોય તો
ફરિયાદો આવવી ન જોઈએ, પરંતુ જમીન ઉપરની સ્થિતિ અલગ છે. તિજોરીમાંથી રૂપિયા ખર્ચાઈ રહ્યા છે,
પરંતુ જમીન ઉપરથી રખડતા ઢોર દૂર થતા નથી.
અગાઉ ઢોર પકડવાના
માત્ર રૂા. 600 જ અપાતા હતા
ગાંધીધામ,
તા. 18 : ઢોર પકડવાની કામગીરી
મહાનગરપાલિકાની તિજોરી ઉપર ભારે પડી રહે છે,
તેની પાછળ ટેન્ડર પ્રક્રિયામાં ભૂલ હોવાનું જાણકારો કહે છે. અહીં ડબલ
ગેમ હોવાનો વર્તારો છે. શહેરમાંથી એક ઢોર પકડીને રામલીલા મેદાનમાં મૂકવાના ઢોર દીઠ
2750 ચૂકવાય છે,
પછી રામલીલા મેદાનથી ઢોરને ગૌશાળા મોકલવાના એજન્સીને 4000 રૂપિયાનું ચૂકવણુ કરવામાં આવે છે. પરિણામે મહાનગરપાલિકા
ઉપર ખર્ચ બહુ જ વધ્યો છે. નગરપાલિકા વખતે અગાઉ એક ઢોર પકડવાના 600 આપાતા હતા અને અહીં મહાનગરપાલિકાના તંત્રની મહેરબાનીથી
કોન્ટ્રાક્ટરને એક ઢોરના 6750 રૂપિયા આપવામાં
આવી રહ્યા છે.
591 ઢોર પકડવાના રૂા. 16.26 લાખ ચૂકવાયા
ગાંધીધામ,
તા. 18 : મહાનગરપાલિકાએ 591 ઢોર પકડવાના 2750 લેખે
એજન્સીને 16.25 લાખ રૂપિયાનું ચૂકવણુ કર્યું છે. હજુ માર્ચ અને એપ્રિલ
મહિનાનું પણ લાખો રૂપિયાનું ચૂકવણુ એજન્સીને
થશે. હાલના સમયે રામલીલા મેદાનમાં 200 ઢોર
છે, તેને અલગ-અલગ ગૌશાળામાં મોકલવાના છે.