ભુજ, તા. 18 : વિકાસનો વ્યાપ વધવા સાથે ભુજમાં ટ્રાફિકનો પ્રશ્ન એટલો જ વિકરાળ બની રહ્યો છે. ભૂકંપ બાદ વિસ્તરેલા ભુજમાં માર્ગો પહોળા થયા હોવા છતાં દબાણ સહિતનાં કારણે તેની મોકળાશ જોવા મળતી નથી. શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગો પરથી કેટલાક સ્પીડબ્રેકર ગાયબ થતાં આ માર્ગો અકસ્માત ઝોનમાં ફેરવાઈ રહ્યા છે. મુંદરા રોડ, માંડવી રોડ, ખાવડા રોડ ઉપરાંત એરપોર્ટ રિંગરોડ સહિતમાં ગતિનિયંત્રકો પૂરતા પ્રમાણમાં ન હોવાનાં કારણે વાહનો પૂરપાટ દોડી રહ્યાં છે. ખાસ કરીને ભારે માલવાહક વાહનો જોખમી રીતે દોડતા હોવાની સાથે અન્ય વાહનો પણ ગતિનિયંત્રકના અભાવે અતિ જોખમી ગતિએ દોડતા હોવાથી સમયાંતરે નાની-મોટી અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. ગયા અઠવાડિયે ભુજના મુંદરા રોડ પર સર્જાયેલી આવા જ પ્રકારની એક ઘટનામાં ભુજના ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલું દંપતી વોકિંગ માટે જતું હતું, ત્યારે પૂર વેગે આવતાં અજાણ્યાં વાહને હડફેટે લેતાં ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી. એરપોર્ટ રોડ પર આવા બનાવો જીવલેણ બનતાં લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવતાં તંત્રવાહકો હરકતમાં આવ્યા હતા. એરપોર્ટ રોડના ત્રિભેટે સર્કલ ન હોવાનાં કારણે પણ નાની-મોટી અકસ્માતની ઘટના ઘટતી રહે છે. જનરલ હોસ્પિટલથી લઈ જયનગરના પાટિયા સુધી પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવ્યા હતા. તે પૈકીના મોટાભાગના ગતિઅવરોધક તૂટી ગયા છે. કેટલાક અડધા તૂટેલા હોવાથી લોકો તેના પર જવાના બદલે ફૂટપાથનો ઉપયોગ કરતા હોવાથી રાહદારીઓ માટે પણ સમસ્યા સર્જાતી હોય છે. તંત્રવાહકો વેળાસર ગતિઅવરોધકો નહીં બનાવે તો જીવલેણ અકસ્માતોની ઘટના સર્જાશે તેવી ભીતિ પણ જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી હતી.
મુંદરા
રોડ પર રાતે વોકિંગ પર નીકળેલાં દંપતીને કારે અડફેટે લેતાં ગંભીર ઈજા
ભુજ, તા. 18 : શહેરના માર્ગો પર સ્પીડબ્રેકરના અભાવે દોડતાં
બેફામ વાહનોને લીધે અકસ્માતો વધ્યા છે. તે વચ્ચે ગત તા. 11/5ના
રાતે શહેરના મુંદરા રોડ પર વોકિંગ પર નીકળેલાં દંપતીને અજાણી કારે અડફેટે લેતાં
પતિને ગંભીર પ્રકારની ઈજા પહોંચ્યાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ભોગ બનેલાના
પરિજનો તરફથી મળેલી જાણકારી મુજબ ગત તા. 11-5ના રાત્રે દશેક વાગ્યે
મુંદરા રોડ પરના ફોર્ટીઝ એકર બાજુ વોકિંગ પર નીકળેલાં વ્યવસાયે ફોટોગ્રાફર એવા
હર્ષદભાઈ પોમલ અને તેમના પત્ની બન્નેને એક અજાણી કારે અડફેટે લેતાં હર્ષદભાઈને
ગંભીર પ્રકારની ઈજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આમ બેફામ
દોડતાં વાહનો પર અંકુશ મેળવવા જરૂરી પગલાં લેવા અનિવાર્ય બન્યાનો સૂર શહેરજનો
તરફથી વ્યક્ત થયો છે.