માંડવી, તા. 18 : શહેરને કાયમી એસ.ડી. કોર્ટ મળતાં માંડવી બાર
એસોસીએશન દ્વારા નવા આવેલા જજનું સ્વાગત અને કોર્ટનો શુભારંભ ધારાસભ્ય અનિરુદ્ધ
દવેના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી, જેમાં મેજિસ્ટ્રેટ ડો. રાહુલભાઈ કરનાની, હિમાન્શુભાઈ
શર્મા, પીપીએ પી.પી. ઠાકોર, બાર એસો.ના
પ્રમુખ પ્રિયેન નાકર, મંત્રી હરિઓમ અબોટી તેમજ સિનિયર વકીલો
જોડાયા હતા. બાર એસોસીએશનના પ્રમુખ પ્રિયેન નાકરે સ્વાગત પ્રવચનમાં બંને
મેજિસ્ટ્રેટને આવકારી માંડવીને કાયમ એસ.ડી. કોર્ટ મળવા બદલ ધારાસભ્ય અનિરુદ્ધ દવે,
કારોબારી સભ્યો તથા માંડવી બારના તમામ સભ્યોની જહેમતને બિરદાવી હતી
સાથે બાર કાઉન્સિલના જે.જે. પટેલ, ભાવિન પંડયા અને જિજ્ઞેશ
નાયકની કામગીરીની નોંધ લેવાઈ હતી. ધારાસભ્ય શ્રી દવેએ પોતે બાર એસો.ના સભ્ય હોવાના
ગર્વ સાથે બાર અને બેંચ બંને સાથે ચાલીને ઉચ્ચકક્ષાએ સતત રજૂઆત કરીને માંડવીને 1પ
દિવસ સીટિંગ કોર્ટના બદલે હવે કાયમ માટે એસ.ડી. કોર્ટ મળી છે. આ પ્રસંગે પ્રોફેસર
કે.ટી. શાહ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, માંડવીના અને હાલે સુપ્રીમ કોર્ટના જજ નિલયભાઈ અંજારિયા વિગેરેને યાદ કરી
પોતાના સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. મેજિસ્ટ્રેટ ડો. રાહુલ કરનાનીએ સ્વાગત બદલ
આભારની લાગણી વ્યક્ત કરી હતી. બંને મેજિસ્ટ્રેટ તથા ધારાસભ્યનું સન્માન બાર
એસોસીએશનના પ્રમુખ, કારોબારી સભ્યો, સિનિયર
તથા જુનિયર વકીલોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ
એડવોકેટ હરિઓમ અબોટીએ કર્યા હતા.