ગાંધીધામ, તા. 18 : રાપરથી પાલનપર જતા
માર્ગ નજીક આવેલા મામાદેવ મંદિરનાં પ્રાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરનારા પૂજારીને
પોલીસે પકડી પાડયો હતો. આ મંદિરનાં પ્રાંગણમાંથી 14 છોડ એમ 2.470 કિલો કિંમત રૂા.
1,23,500નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. રાપરથી પગીવાંઢ ગામની
વચ્ચે સીમમાં આવેલાં મામાદેવ મંદિરમાં સામત મમુ રબારીએ મંદિરનાં પ્રાંગણમાં ગાંજાના
રોપા વાવ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. અહીં પોલીસ
દ્વારા મામલતદારને બોલાવી તેમની હાજરીમાં મંદિરની તપાસ કરવામાં આવી હતી. અહીંથી એક
છ ફૂટ સાત ઇંચનો છોડ, દશેક છોડ બેથી અઢી ફૂટના તથા અન્ય ત્રણ છોડ મળી આવ્યા હતા. લીલાછમ આ છોડને
મૂળિયાથી કાઢી તમામનું વજન કરવામાં આવ્યું હતું. આ ગાંજાનું કુલ વજન 2.470 કિલો થયું હતું. એફ.એસ.એલ. અધિકારીને અહીં બોલાવી પ્રાથીમક
પૃથક્કરણ કરાતાં આ છોડ ગાંજાના હોવાનું બહાર આવ્યું હતું. રૂા. 1,23,500ના ગાંજા સાથે પૂજારી એવા સામત ઉર્ફે બાલકનાથ ગુરુ
પચાણનાથ મમુ રબારી (મૂળ રહે. સૂરજપર રબારીવાસ,
તા. ભુજ)ની ધરપકડ કરવામાં આવી હતી. આ ગાંજાના રોપા થોડા મહિના અગાઉ રોપવામાં
આવ્યા હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. આ પૂજારીએ પોતાના નશા માટે રોપાઓનું વાવેતર
કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ પૂજારી પાસે રોપાનાં બીજ ક્યાંથી આવ્યાં હતાં
તે બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.