• મંગળવાર, 19 મે, 2026

બેંકોને કરકસર કરવા સરકારનો આદેશ

નવી દિલ્હી, તા. 18 : દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજીની કિંમતમાં  ગયા અઠવાડિયે વધારો જોવા મળી ચૂક્યો છે. પીએમ મોદી મધ્ય પૂર્વના યુદ્ધની ગંભીર અસરનો હવાલો આપીને ઈંધણના સીમિત ઉપયોગની અપીલ કરી ચૂક્યા છે અને તેની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ અલમવારી શરૂ કરવામાં આવી છે. હવે નાણા મંત્રાલય તરફથી તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને અન્ય ફાયનાન્સ એકમોને ખર્ચ ઘટાડવાના ઉપાય લાગુ કરવા નિર્દેશ કરાયો છે. એક રિપોર્ટ અનુસાર સરકારી આદેશમાં પડતર ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેના હેઠળ લાગુ થનારા ઉપાયોગંમા અધિકારીઓની વિદેશ યાત્રા ઘટાડવી, બેઠકો માટે વીડિયો કોન્ફરન્સનો વધારે ઉપયોગ અને ઈલેકિટ્રક વાહનો તરફ વધારે ભાર મુકવાની વાત સામેલ છે. નાણા સેવા વિભાગ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલો આ આદેશ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને ભારતીય જીવન વીમા નિગમ સહિત અન્ય ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સ ફર્મ ઉપર લાગુ થશે. સરકાર દ્વારા લાગુ થનારા નવા `કોસ્ટ કટિંગ' ઉપાયો હેઠળ તમામ બેઠકો, કામ પ્રેજેક્ટસની સમીક્ષા અને સૂચનો માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગ આયોજીત થવી જોઈએ. જ્યાં સુધી શારીરિક હાજરી અનિવાર્ય ન હોય ત્યાં સુધી વીસીનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ચેરમેન, એમડી અથવા સીઈઓ સહિત ટોચના અધિકારીઓની વિદેશ યાત્રા નિર્ધારીત મર્યાદાથી ઓછી રાખવી અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વિદેશી કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ રીતે ભાગ લેવા નિર્દેશ અપાયો છે. સરકાર તરફથી ઈલેકિટ્રક વાહનો અપનાવવામાં પણ તેજી લાવવા અપીલ થઈ છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ સંગઠનોએ પોતાના હેડક્વાર્ટરો અને બ્રાન્ચો માટે ભાડા ઉપર રાખેલા પેટ્રોલ અને ડીઝલ વાહનોને સંભવ હોય ત્યાં સુધી ઈલેકિટ્રક વાહનોમાં બદલવાનું લક્ષ્ય નિર્ધારીત કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પગલું પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ બાદ લેવાયું છે. જેમાં અધિકારીઓ અને દેશના નાગરિકોને કોરોના મહામારી દરમિયાન લાગુ કરવામાં આવેલા વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન બેઠકો અને વીડિયો કોન્ફરન્સીંગ ફરીથી શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો અને આ કામગીરી રાષ્ટ્ર હિતમાં લેવાયેલું પગલું ગણાવ્યું હતું.

Panchang

dd