ન્યૂ ચંડીગઢ, તા. 20 : ઓસ્ટ્રેલિયન યુવા
બેટર કૂપર કોનોલી આઇપીએલની વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સરપ્રાઇઝ પેકેજ બની રહ્યો
છે. ગઇકાલની લખનઉ સામેની મેચમાં તેણે 46 દડામાં
7 છગ્ગાથી આતશી 87 રન
બનાવ્યા હતા જ્યારે તેના સાથીદાર પ્રિયાંશ આર્યે 9 છગ્ગાથી 37 દડામાં 93 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે 80 દડામાં 182 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ
થઇ હતી. કૂપર કોનોલીએ આ સિઝનમાં 223 રન કર્યાં છે. જે
પ્રભસિમરન (211), પ્રિયાંશ (211) અને
શ્રેયસ (208)થી વધુ છે. લખનઉ સામેની જીત પછી કોનોલીએ કહ્યું કે
આ ફોર્મેટમાં તમારે મોકાનો ફાયદો લેવો પડે છે. આ સમજવું ઘણું જરૂરી છે. અમે ટીમના દરેક
ખેલાડી એક-બીજાથી શિખવાની કોશિશ કરીએ છીએ. લખનઉ સામેની રન રફતાર વિશે તેણે કહ્યું શરૂથી
જ પ્રિયાંશ સારી રીતે બોલને હિટ કરી રહ્યો હતો. આથી મને સેટ થવાનો મોકો મળી ગયો હતો.
આ પછી મેં બોલને હિટ કરવાની તક ઝડપી લીધી. પિચ પર બોલ પણ સીધા આવી રહ્યા હતા. આથી અમને
સારો સ્કોર કરવામાં સફળતા મળી. લખનઉ સામેની મેચમાં પંજાબે 7 વિકેટે 2પ4 રન ખડક્યા હતા અને અંતમાં પ4 રને સરળ વિજય થયો હતો.