નવી દિલ્હી, તા. 20 : સુપ્રીમ કોર્ટે નેતાજી
સુભાષચંદ્ર બોઝને `રાષ્ટ્રપુત્ર' ઘોષિત કરવા અને `આઝાદ હિન્દ ફોજ'ને ભારતની આઝાદીનો યશ આપવાની માંગ કરતી જનહિતની અરજી ફગાવી
દીધી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે અરજદાર
પિનાકપાની મોહંતીને ફટકાર લગાવી હતી. અરજદારને `કદી નહીં સુધરનાર' લેખાવી, સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી
હતી કે, આ પ્રકારની અરજી કરીને હવે કોર્ટનો સમય બરબાદ કરશે,
તો તેમના સુપ્રીમ કોર્ટ પ્રવેશ પર રોક મૂકી દેવાશે. સાથોસાથ રજિસ્ટ્રીને
પણ પિનાકપાનીની કોઇ પણ જનહિતની અરજી મંજૂર કરવી નહીં તેવો સ્પષ્ટ નિર્દેશ સુપ્રીમે
આપી દીધો હતો. મોહંતીએ અગાઉ 2024માં
નેતાજી સુભાષચંદ્ર બોઝનાં મોતની તપાસની માંગ કરતી એક જનહિતની અરજી કરી હતી. આ અરજી
પિનાકપાની મોહંતીએ દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાનીની પીઠે સાફ કહ્યું
હતું કે, આવી માગણી ન્યાયિક દાયરામાં નથી આવતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઐતિહાસિક તથ્યોનું નિર્ધારણ કરવું અને તેને લઈને ઘોષણા
કરી ન્યાયિક પ્રક્રિયા મારફતે થઈ શકે નહીં. કોર્ટે યાદ અપાવ્યું હતું કે અરજકર્તા પહેલા
પણ આવી અરજી દાખલ કરી ચૂક્યા છે જેને ફગાવવામાં આવી છે. સીજેઆઇએ સખત ટિપ્પણી કરતા કહ્યું
હતું કે વારંવાર એક જ મુદ્દાને લઈને કોર્ટનો સમય બરબાદ કરવામાં આવે છે. અરજકર્તાને
ચેતવણી આપવામાં આવી હતી કે, જો તેઓમાં કોઈ સુધારો નહીં આવે તો
સુપ્રીમ કોર્ટમાં તેઓનો પ્રવેશ જ બંધ કરી દેવાશે.