લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠક અનામત રાખવા માટેનો
પ્રસ્તાવ લોકસભામાં નામંજૂર થયો છે. હવે નારીશક્તિ - મહિલા અનામતનો મુદ્દો જનતાની અદાલતમાં
જશે. તાત્કાલિક ચાર રાજ્યોની ચૂંટણીમાં અને તે પછી 2029માં લોકસભાની ચૂંટણી પહેલાં સંસદમાં ઇન્ડિ મોરચાએ વિપક્ષી એકતા
પુરવાર કરી છે અને સફળતા, `જીત'
મેળવી છે, પણ ચૂંટણીમાં આ `એકતા'
ફળદાયી બનશે કે નહીં તે જોવાનું છે ! કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ તથા ડાબેરી પક્ષો અને ડીએમકેના કોંગ્રેસી મેળા - મોરચાની કસોટી
થશે. લોકસભામાં કેન્દ્રની મોદી સરકાર સ્પષ્ટ બહુમતીમાં છે, પણ
સંવિધાનમાં સુધારા ખરડા માટે ગૃહમાં હાજર રહેલા સભ્યોમાં બે તૃતીયાંશની મંજૂરી હોય
તો જ પ્રસ્તાવને મંજૂરી મળી શકે એવી જોગવાઈ છે. કેન્દ્ર સરકારની ગણતરી હતી કે,
મહિલાઓને નારાજ - નિરાશ કરવાની હિંમત, દુ:સાહસ
મોટા ભાગના સભ્યો નહીં કરે, પણ સરકારની આ ધારણા ખોટી પડી છે!
ઇન્દિરાજી સર્જિત અને પ્રાયોગિક વ્યૂહ `આત્માનો અવાજ' આ વખતે ગૃહપ્રધાન અમિત શાહે યાદ કરાવ્યો છતાં કોઈનો આતમ-આત્મા જાગૃત થયો નહીં
! આખરે ગૃહમાં હાજર હતા તેમાંના 298 સભ્યોએ ઠરાવની તરફેણમાં અને 230 સભ્યોએ વિરોધમાં મત આપ્યા. બે તૃતીયાંશ - 352નો આંકડો પાર થયો નહીં અને
પ્રસ્તાવને મંજૂરી મળી નહીં. મહિલા અનામતનું સમર્થન કરવા તમામ પક્ષો તૈયાર છે, પણ લોકસભામાં ઠરાવને સમર્થન આપવા તૈયાર નથી
તેનું રાજ-કારણ છે. યશ લેવાના પ્રશ્ને તો વડાપ્રધાન મોદી તથા ગૃહપ્રધાને સ્પષ્ટ ખાતરી
આપી હતી કે, તમામ પક્ષોને યશભાગી બનાવાશે - છતાં વિરોધ પક્ષો
ઝૂક્યા નહીં. કારણ કે, એમને ખાતરી છે કે, મહિલાઓની વોટબેન્ક મોદી `હાઈજેક' કરશે.
આમ પણ અત્યાર સુધી મહિલાઓએ પ્રથમ વોટ મોદીનાં નામે જ આપ્યો છે. પ્રથમ પરીક્ષાનું પરિણામ
ચોથી મેના રોજ આવશે. તે પછી 2029માં લોકસભાની ચૂંટણી ઉપર અસર પડશે. મોદી અને અમિત શાહે વિરોધ
પક્ષો સામે લાલબત્તી, લાલઝંડી બતાવી,
પણ વિરોધ પક્ષો ડર્યા હોય એમ લાગતું નથી. કારણ કે, અનામતનો અનાદર - અસ્વીકાર થયો નથી એમ તેઓ માને છે. સરકાર મતવિસ્તારોની ફેરવ્યવસ્થામાં
ઉતાવળ કરવા માગે છે અને 2011ની વસતી ગણતરીના
આધારે કરવા માગે છે, જેનાથી લાભ
ભાજપને જ થશે એવો આક્ષેપ છે. 2026-27ની વસતી ગણતરી પૂરી થાય તેના આધારે લોકસભા અને વિધાનસભાઓમાં
સભ્યસંખ્યા નક્કી થવી જોઈએ એવો આગ્રહ વિરોધ પક્ષોનો છે. આ સંજોગોમાં જનતાની અદાલતમાં
વિપક્ષો મહિલા અનામતને સમર્થન આપશે. કદાચ વધુ મહિલા ઉમેદવારોને ઊભાં રાખશે. ભાજપ-એનડીએ
પણ મહિલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપશે. વાસ્તવમાં ભારતની વસતીમાં મહિલાઓની સંખ્યા
પચાસ ટકાથી વધુ છે, પણ નેતાઓની
જમાતમાં સંખ્યા ઘણી ઓછી છે. ચૂંટણી સુધારાની ચર્ચા અને પ્રક્રિયા ઘણાં વર્ષો - દાયકાઓથી
ચાલે છે, પણ નિરાકરણ થયું નથી. વર્ષ 2023ના સપ્ટેમ્બરમાં લોકસભાના વિશેષ
સત્રમાં મહિલા અનામતનો ખરડો પસાર થયો હતો. લગભગ તમામ સભ્યો - 454નું સમર્થન મળ્યું હતું. માત્ર
બે સભ્યોએ વિરોધ કર્યો હતો. સિદ્ધાંતમાં સ્વીકાર થયો હતો અને તેનો અમલ 2026ની વસતી ગણતરીના આધારે થશે
એવી ધારણા હતી, પણ કેન્દ્ર સરકારે અચાનક
2023ના ધારામાં સંવિધાન સુધારા
ખરડા અત્યારે જ રજૂ કરવાનો નિર્ણય કર્યો તેની સાથોસાથ વિશેષ સત્રમાં મતવિસ્તારોના સીમાંકન
બાબત ખરડો રજૂ કરવાની નોટિસ નીકળી. અત્યારે બંગાળ,
તામિલનાડુમાં મહત્ત્વની ચૂંટણી પ્રક્રિયા છે, ત્યારે
જ આ સુધારા શા માટે ? આ શંકા સરકારના ઇરાદા અને રાજકીય વ્યૂહ
સામે ઉઠાવાઈ છે. સરકારને ખાતરી હતી કે, મહિલાઓનાં નામે સભ્યો
સમર્થન આપશે જ. સીમાંકન સામેની શંકાનું નિરાકરણ કરવા સરકારે તમામ રાજ્યોમાં 50-50 ટકા બેઠકો વધારવાની ખાતરી આપી
! પણ ખરડાની જે પ્રત, નકલ સભ્યોને
આપી હતી તેમાં આ સુધારો ન હતો. સંસદના નીચલા ગૃહમાં આ ખરડો પસાર થઈ શક્યો નહીં તેની
સાથે જ સીમાંકનનો પણ મુદ્દો ચર્ચામાં હતો. રાજકીય દૃષ્ટિકોણને બાજુ પર રાખીને વાત થાય
તો સીમાંકન મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાને કરેલી ચર્ચા યોગ્ય પણ હતી. હવે લોકસભા બેઠકોનું
સીમાંકન સમયની માંગ છે. વડાપ્રધાને પણ આ પ્રક્રિયામાં કોઈ પક્ષપાત નહીં થાય તેવી ખાતરી
આપી હતી, પરંતુ મહિલા અનામતની સાથે આ ખરડો પણ રોકાઈ ગયો છે. 2014 પછી ગૃહમાં વિપક્ષનો અવાજ આટલો
બુલંદ કદાચ પ્રથમ વખત સંભળાયો છે, પરંતુ
તેના પડઘા વધારે મહત્ત્વના છે. મહિલાઓની લાગણી અનામત બિલ માટે વધારે હતી. ખરડો પસાર
ન થઈ શક્યો તેના પ્રત્યાઘાત ચાલી રહેલી ચૂંટણીનાં પરિણામો ઝીલે છે કે નહીં તે મહત્ત્વનું
છે. શક્ય છે કે, પ્રચારમાં પણ આ મુદ્દો ઉમેરાઈ જશે. જો કે,
રાજકીય રીતે આ બાબતને જોવામાં ન આવે તો સીમાંકનનું પુન: મૂલ્યાંકન જરૂરી
છે. હવે આ દિશામાં જ્યારે આગળ વધી શકાય ત્યારે સાચું. આ સંજોગોમાં તામિલનાડુની સભ્યસંખ્યા
ઘટવાની ફરિયાદ થઈ અને ઉત્તર - દક્ષિણ ભારતનો વિવાદ થયો તેમાંથી ઇન્ડિ મોરચાની એકતા
સિદ્ધ થઈ ! ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહે વિપક્ષનો વિશ્વાસ
મેળવવા, જીતવા પ્રયાસ કર્યા, પણ નિષ્ફળ
ગયા. આખરે મહિલા અનામતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો, પણ સરકારના ઇરાદા-વ્યૂહ
સામે અવિશ્વાસ જાહેર કર્યો. સરકારની પ્રથમ પીછેહઠ-હાર થઈ. હવે જનતાની અદાલતની રાહ જુઓ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે મહિલા અનામત વિધેયક મુદ્દે
વિરોધ પક્ષોને ખુલ્લા પાડવા હાકલ કરી છે. શ્રી મોદીએ શનિવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધનમાં
દેશની નારીશક્તિની માફી માગી, એ સાથે વિરોધ પક્ષોને - ખાસ તો
કોંગ્રેસને નિશાન બનાવી. `દેશની વસ્તીના
50 ટકા હિસ્સો ધરાવતી મહિલાઓને
તેમનો અધિકાર મળશે જ' એવી ખાતરી
ઉચ્ચારતાં વડાપ્રધાને કહ્યું કે, લોકસભામાં સંખ્યાબળ ઓછું પડયું,
પણ આત્મબળ મજબૂત છે. નારીશક્તિનો સંકલ્પ સરકાર પૂરો કરીને જ રહેશે. કોંગ્રેસ
પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદીના રાષ્ટ્રવ્યાપી સંબોધનની ટીકા કરતાં તેમને નિરાશ અને
હતાશ લેખાવ્યા. એટલું જ નહીં, આદર્શ આચારસંહિતા ચાલુ હોય એવા
સમયે જનતાનાં નામે રાજકીય ભાષણ કરવા બદલ ટીકા કરી છે. સરકાર અને વિરોધ પક્ષો આ મુદ્દે
આમને-સામને છે. રાજકીય દાવપેચનો પ્રભાવ મતદારોના માનસ પર કેટલો રહેશે એ જોવું રહ્યું.