નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાન અમેરિકા-ઈરાન
વચ્ચેનાં યુદ્ધમાં મધ્યસ્થતા કરવાની કોશિશ કરી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા
સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસે તાજા ઘટનાક્રમનો હવાલો આપતા કહ્યું હતું
કે ભારતે પોતાના કૂટનીતિક સંપર્કની રણનીતિમાં મોટો બદલાવ કરવાની જરૂરિયાત છે અને આ
બદલાવ કરવામાં મોદી સરકાર પૂર્ણ રીતે નિષ્ફળ નિવડી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ
રમેશે કહ્યું હતું કે, આર્થિક
રૂપથી તબાહ અને આતંકવાદી દેશ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યસ્થીની ભૂમિકાની
તક મળી રહી છે તે મોદી સરકાર માટે ઝટકો છે. ખૂબ જાણકાર અને હંમેશાં સ્ટાઇલિશ કપડામાં
રહેતા વિદેશ મંત્રીએ જેને દલાલ દેશ ગણાવ્યો હતો તે અમેરિકા-ઈરાન શાંતિ વાર્તાના બીજા
દોરની મેજબાની કરી રહ્યો છે. આ પૂરી રીતે પીએમ મોદીની ક્ષેત્રીય અને વૈશ્વિક કૂટનીતિ
અને શૈલીની નિષ્ફળતા છે. ખાસ કરીને પહલગામ આતંકી હુમલાને હવા આપનારા આસિમ મુનીર રાષ્ટ્રપતિ
ટ્રમ્પના ખાસ બની ગયા છે તે સૌથી મોટો ઝટકો છે.