ભુજ, તા. 20 : ઓનલાઇન છેતરપિંડીના
બનાવો દેશભરમાં વધ્યા છે. દેશના વિવિધ રાજ્યમાં થયેલી આવી છેતરપિંડીના નારાં કચ્છના
બેંક ખાતામાં જમા થવાના અને તેની હેરાફેરીના ભોપાળા સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ
એક આવા ભોપાળા અંગે ગુનો દાખલ થયો છે જેમાં ચાર શખ્સ સામે નામજોગ તથા તપાસમાં જે નીકળે
તેની વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે એલસીબીના
સાયબર ક્રાઇમ સેલે નોંધાવેલી ફરિયાદ મુજબ સમન્વય પોર્ટલ પર મ્યુલ એકાઉન્ટની તપાસ દરમ્યાન
ભુજના યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેંકના બે ખાતામાં સાયબર ફ્રોડના નાણાં
જમા થયાની ફરિયાદો સામે આવી હતી. આથી આ બેંક ખાતાની માહિતી મંગાવતાં આ ખાતા નિખિલભાઇ
નાનજીભાઇ મહેશ્વરી (રહે. રામદેવપીર મંદિરની બાજુમાં, જૂની રાવલવાડી, ભુજ)નું હોવાનું સામે
આવ્યું હતું. આ બે ખાતામાં 5/1/24થી
અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યમાં થયેલી વિવિધ ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદોના કુલે રૂા.
6,40,315 જમા થયા હતા. સાયબર સેલે નિખિલને બોલાવી પૂછતાછ કરતાં
જાણવા મળ્યું કે, તેના
મિત્ર રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજીભાઇ ગરવા (રહે. બિબ્બર, તા. નખત્રાણા)એ ઉપરોક્ત બંને બેંક ખાતાની માહિતી તથા એ.ટી.એમ. અને પાસવર્ડ
આપ્યા હતા. આ ખાતા ઉપરાંત પણ સાથે મળીને બીજા અલગ-અલગ ખાતા ખોલાવ્યા હતા. જે ખાતા દીઠ
રૂા. 20 હજાર કમિશન નક્કી કરી ખાતાની માહિતી અને એટીએમ પીન, આઇ.ડી. પાસવર્ડ પીન સહિતની વિગતો આરોપી
વિરાંગ ઉર્ફે વીરુભાઇ અખાણી (રહે. ગાંધીધામ)ને આપી હતી. રાજેન્દ્રને પણ સાયબર સેલે
બોલાવી પૂછપરછ કરતાં નિખિલ ઉપરાંત દીપકભાઇ ભાનુશાલી (ભુજ) પાસેથી ભાડેથી એકાઉન્ટ મેળવી
આ એકાઉન્ટો સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા વિરાંગ ઉર્ફે વીરુ અખાણી (ગાંધીધામ)ને
આપ્યા હતા. આ પોલીસે આ ચાર શખ્સ સામે નામજોગ તથા તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ આઇ.ટી.
એક્ટ અને છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.