નખત્રાણા, તા. 20 : નગરપાલિકાની ચૂંટણીને
માત્ર 10 દિવસ રહ્યા છે,
ત્યારે બારડોલી તરીકે ઓળખાતા પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં નવા
ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગટર-પાણી સહિતની સમસ્યાઓનો અંત લાવે તેવી લોકઆશા વ્યક્ત કરાઇ
હતી. સ્થાનિક અગ્રણી ગોવિંદભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, વારંવાર
ગટરનાં ગંદા પાણી તથા પાણીની લાઇનો લીકેજ થતાં પાણીનો વેડફાટ સહિતની અનેક સમસ્યાઓ સર્જાય
છે. તાજેતરમાં નખત્રાણાના જૂનાવાસ શીતળા માતાજી મંદિર પાસે ગટરમિશ્રિત પાણીથી લોકોને
હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાલિકામાં રજૂઆતો થતાં સમસ્યા હલ થઇ હતી, પરંતુ વારંવાર આ સમસ્યા સર્જાતી હોવાથી કાયમી ઉકેલની માંગ ઊઠી હતી. મુખ્ય બજાર
જૈન દેરાસર પાસેથી પાણીની લાઇનમાં લીકેજ થતાં દુકાનદારો તથા રાહદારીઓને પડેલી મુશ્કેલી
અંગે ફરિયાદ કરાઇ હતી. મુખ્ય હાઇવે બસ સ્ટેશન વથાણ વિસ્તારમાં પણ લારીઓના વેપારીઓ દ્વારા
ગંદુ પાણી રોડ પર ફેંકાતું હોવાથી વાહનો સ્લીપ થવાના તેમજ નાના-મોટા અકસ્માતો સર્જાતા
હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. વથાણમાં આવેલાં જાહેર શૌચાલયમાં પણ સ્વચ્છતાના અભાવે
લોકો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાની ફરિયાદો કરાઇ હતી. આવનારા લોક પ્રતિનિધિઓ
નખત્રાણાને જીવનજરૂરી પ્રાથમિક અસુવિધામાંથી મુક્ત કરાવે તેવી આશા વ્યક્ત કરાઇ હતી.