• મંગળવાર, 21 એપ્રિલ, 2026

માનકૂવાના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ભુજ, તા. 20 : ગત તા. 5/11/21ના નૂતન વર્ષના સપરમા દિને જ માનકૂવામાં બહેનને ભગાડવામાં વિનોદભાઈ થાવર દનીચા (મહેશ્વરી)નો હાથ છે તેવા શક-વહેમ સાથે આરોપી હાજીખાન ઓસમાણખાન બલોચે વિનોદભાઈને માથાંમાં લાકડાંનો ધોકો ફટકારી હત્યા નીપજાવી હતી. આ ખૂનમાં આરોપી હાજીખાનને આજીવન કેદની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો કોર્ટે આપ્યો છે. આ ચકચારી હત્યા પ્રકરણમાં ફરિયાદ પક્ષે 39 દસ્તાવેજી પુરાવા તથા 19 સાક્ષી તપાસી બન્ને પક્ષોની દલીલો સાંભળી આઠમા અધિક સેશન્સ જજ તથા સ્પે. જજ (એટ્રોસિટી) ટી.એન. ખંધડિયાએ હત્યાનો ગુનો સાબિત થતાં આરોપી હાજીખાનને આજીવન સખત કેદની સજા તથા 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદ તેમજ દંડની રકમ રૂા. 50 હજાર વિનોદભાઈના વારસદારોને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પ્રવીણચંદ્ર વાણિયા હાજર રહી સાક્ષી તપાસી દલીલો કરી હતી. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 5/11/21 જ્યારે નૂતન વર્ષનો સપરમો દિન હતો ત્યારે સાંજે વિનોદભાઈ અને અન્યો મસ્જિદની સામે હકીમભાઈની ચાની હોટેલ ઉપર ઊભા હતા ત્યારે આરોપી હાજીખાન ત્યાં આવી વિનોદભાઈને ચોરસ લાકડાંનો ધોકો માથાંમાં ફટકારી ભાગી ગયો હતો. કાનથી ઉપર જમણીબાજુ ઊંડો ઘા અને અત્યંત લોહી નીકળી ગયું હતું. વિનોદભાઈને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાતાં ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ હત્યાના બનાવ પાછળનાં કારણમાં આરોપી હાજીખાનની બહેન અગાઉ ભાગી ગઈ હતી જેને ભગાડવામાં વિનોદભાઈનો હાથ છે તેવા શક-વહેમ રાખી હત્યા નીપજાવ્યાની વિગતો સાથે મૃતકના ભાઈ તેજશીભાઈએ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી જે-તે સમયે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

Panchang

dd