• બુધવાર, 12 માર્ચ, 2025

નિલકંઠ વોરિયર્સે મસ્કા માસ્ટર્સને છ વિકેટે હરાવ્યું

ભુજ તા 8 : હિમ્સ કેપીએલના ત્રીજા મુકાબલામાં નિલકંઠ વોરિયર્સે મસ્કા માસ્ટર્સને છ વિકેટે હાર આપી છે. પ્રથમ બેટીંગ કરતા મસ્કા માસ્ટર્સની ટીમે 1પ ઓવરમાં આઠ વિકેટના ભોગે 164 રન બનાવ્યા હતા. મસ્કા તરફથી બ્રેર મઈઝે છ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 29 બોલમાં 60, તો મુસ્તાક સુમરાએ 29 બોલમાં 61 રનની ઈનીંગ રમી હતી. નિલકંઠ વોરિયર્સ તરફથી પ્રદિપસિંહ રાઠોડે 20 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 16પ રનનાં લક્ષ્યને પાર કરવા ઉતરેલી નિલકંઠ વોરિયર્સની ટીમે રાજ માલમના 36 બોલમાં 72 રનની મદદથી 14.3 ઓવરમાં ચાર વિકેટના ભોગે 168 રન બનાવી છ વિકેટે જીત મેળવી હતી. રાજે પોતાની ઈનીંગમાં છ છગ્ગા ફટકાર્યા હતા. અશરફ સુમરાએ બે વિકેટ ઝડપી હતી.   20 રન આપી પાંચ વિકેટ ખેરવનાર પ્રદિપસિંહ રાઠોડને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. જ્યુબિલી ગ્રાઉન્ડમાં જાણે કે, દિવસ ઊગ્યો હોય તેવો માહોલ સર્જનારી આ ટૂર્નામેન્ટની મેચો નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઊમટી રહ્યા છે. - બરસાના બ્લાસ્ટર્સ અને પૂર્વિ લીજેન્ડે કર્યા વિજયના શ્રીગણેશ  : ભુજ, તા. 8 : હિમ્સ- કેપીએલની ત્રીજી સિઝનનો શુક્રવારથી વિધિવત્ પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે રમાયેલી બે મેચમાં બરસાના બ્લાસ્ટર્સ અને પૂર્વિ લીજેન્ડે જીત સાથે પોતાની કેપીએલની યાત્રાના વિજયી શ્રીગણેશ કર્યા છે. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી સમગ્ર કચ્છના ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ જગાવતી સ્પર્ધાની પ્રથમ મેચ બરસાના બ્લાસ્ટર્સ અને કરણીકૃપા રોયલ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં બરસાના બ્લાસ્ટર્સે નિર્ધારિત 1પ ઓવરમાં ચાર વિકેટના ભોગે 191 રન બનાવ્યા હતા. ટીમ તરફથી રોહિત ઉમરાણિયાએ 10 ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી પ1 બોલમાં 110 રન બનાવી કેપીએલની ત્રીજી સિઝનની પહેલી સદી ફટકારી હતી. કિશન ધોલીએ 34 બોલમાં 70 રનનું યોગદાન આપ્યું હતું. કરણીકૃપા તરફથી નિતેશ આહીરે ત્રણ વિકેટ ઝડપી હતી. 192 રનનાં લક્ષ્યને પાર કરવા ઊતરેલી કરણીકૃપા રોયલ્સની ટીમ 11 રનમાં ઓલઆઉટ થતાં બરસાના બ્લાસ્ટર્સનો 40 રને વિજય થયો હતો. ટીમ તરફથી અકબર મેમણે 34 બોલમાં 7પ રન અને રાજેન્દ્રસિંહે 26 રન બનાવ્યા હતા. બરસાના બ્લાસ્ટર્સના સુકાની પારસ ઠાકોરે 13 રન આપી ચાર વિકેટ ખેરવી હતી. શતકીય ઈનિંગ્સ રમનાર રોહિત ઉમરાણિયાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.  તો બીજી મેચમાં રાજવી ચેમ્પિયન્સ અને પૂર્વિ લીજેન્ડની ટીમો ટકરાઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં રાજવી ચેમ્પિયન્સે 1પ ઓવરમાં નવ વિકેટે 120 રન બનાવ્યા હતા. સુલ્તાન ગગડાએ આઠ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા. પૂર્વિ લીજેન્ડ તરફથી સુરેશ તામિલે ત્રણ અને તેજપમાલ માતંગે બે વિકેટ ઝડપી હતી. પૂર્વિ લીજેન્ડે 12.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 121 રન બનાવી સાત વિકેટે જીત મેળવી હતી. ટીમ તરફથી સંદીપ મકવાણાએ 37 બોલમાં 68 રનની ઝમકદાર ઈનિંગ્સ રમી હતી. સંદીપે પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. રાજવી ચેમ્પિયન્સ તરફથી સેજાદ બાફણે બે વિકેટ ઝડપી હતી. સંદીપ મકવાણાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd