નવી દિલ્હી, તા. 4 : બીસીસીઆઇના સેક્રેટરી પદે સફળ કામગીરી નિભાવ્યા
બાદ જય શાહે હવે આઇસીસીના ચેરમેન તરીકે બાગડોર સંભાળી લીધી છે. તા. 1 ડિસેમ્બરે આઇસીસી
અધ્યક્ષ પદે આરૂઢ થનાર જય શાહે ચેમ્પિયન્સ ટ્રોફી-202પની યજમાનીનો પેચિદો મામલો હાથમાં
લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન જશે નહીં, તેવું બીસીસીઆઇ
અને ભારત સરકાર સ્પષ્ટ કરી ચૂક્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર આયોજિત
કરવી કે પૂરી ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી અન્યત્ર ખસેડવી તે મુદ્દે જય શાહે આવતીકાલ પ
ડિસેમ્બરે આઇસીસી સભ્ય દેશોની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. મળતા હેવાલ અનુસાર આ બેઠકમાં
ચેમ્પિયન્સ ટ્રોફી આયોજન પરની મડાગાંઠનો ઉકેલ નીકળશે. આઇસીસી ચેરમેન જય શાહે પીસીબીને
જણાવી દીધું છે કે, તેઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલનો સ્વીકાર કરે અન્યથા
તેનું આયોજન બીજા દેશમાં થશે. પીસીબીના હઠાગ્રહને લીધે આઇસીસીની 29 નવેમ્બરે યોજાયેલી
બેઠકમાં કોઇ હલ નીકળ્યો ન હતો.