• શનિવાર, 28 નવેમ્બર, 2026

શેખપીર ચોકડી પાસે ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

કોટડા ચકાર (તા.ભુજ), તા.27 : ભુજ-ભચાઉ હાઈવે પર શેખપીર ચોકડી નજીક  સાંજના સમયે ભારે ટ્રાફિકજામ સર્જાતાં હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.હાઈવે પર ચાલી રહેલા માર્ગ નિર્માણના કામની ધીમી ગતિ અને વાહનવ્યવહાર માટે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બની હતી.પરિણામે હાઈવે પર ટ્રકો, ખાનગી બસો, એસટી બસો, કાર, જીપ તેમજ ટુ-વ્હીલર સહિતનાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.વાહનોની અવરજવર ધીમી પડી જતાં અનેક વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવાની ફરજ પડી હતી.શેખપીર ચોકડી વિસ્તાર ભુજ, અંજાર, ભચાઉ સહિતના વિવિધ વિસ્તારોને જોડતો મહત્ત્વનો માર્ગ હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં ભારે અને હળવાં વાહનોની અવરજવર રહેછે.ખાસ કરીને માલસામાનની હેરફેર કરતાં ટ્રકો, ખાનગી વાહનો, મુસાફરોની બસો તેમજ રાજિંદા કામકાજ અર્થે અવરજવર કરતા લોકો માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે.માર્ગ નિર્માણની કામગીરીના કારણે માર્ગ પર વાહનો પસાર થવા માટે મર્યાદિત જગ્યા રહેતી હોવાથી સામસામે વાહનો આવી જતાં વારંવાર અવરજવર અટકી જાય છે. આ સમસ્યા માત્ર આજની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે.સ્થાનિક લોકો અને નિયમિત અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા મુજબ, 24 કલાક વાહનોથી ધમધમતા આ હાઈવે પર માર્ગ નિર્માણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.ધીમી ગતિએ ચાલતા કામને કારણે રાજિંદા મુસાફરો, નોકરી-ધંધા માટે જતા લોકો, વેપારીઓ, માલવાહક વાહનોના ચાલકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોનો કિંમતી સમય બગડી રહ્યો છે.ટ્રાફિકજામ દરમિયાન લાંબા સમય સુધી વાહનો અટવાઈ રહેતાં ઇંધણનો પણ બગાડ થાય છે.સાથે જ મુસાફરો, વૃદ્ધો, બાળકો અને અન્ય જરૂરી કામ માટે મુસાફરી કરતા લોકોને ભારે અગવડતા વેઠવી પડે છે.તાત્કાલિક સારવાર માટે જતા દર્દીઓ કે ઇમરજન્સી વાહનોને પણ આવી સ્થિતિમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.શેખપીર ચોકડી પર પોલીસની હાજરી હોય છે  માર્ગ નિર્માણની કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા વધુ સુવ્યવસ્થિત આયોજન કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે માર્ગ નિર્માણની કામગીરીમાં ઝડપ લાવવામાં આવે, કામ દરમિયાન વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા રાખવામાં આવે તેમજ ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે.હવે જોવાનું એ રહ્યું કે વારંવાર સર્જાતી આ સમસ્યાનો ઉકેલ લાવવા સંબંધિત તંત્ર ક્યારે અસરકારક પગલાં ભરે છે અને માર્ગ નિર્માણની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે.વાહનચાલકોને રોજેરોજની આ હાલાકીમાંથી મુક્તિ મળે અને હાઈવે પર વાહનવ્યવહાર ફરી સુચારુ બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી લોકમાંગ ઊઠી રહી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang