• શનિવાર, 14 નવેમ્બર, 2026

ઉત્તર ભારતીય સમાજમાં સંગઠન-એકતા વધારવા ભાર

કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની ઉપસ્થિતિમાં ગાંધીધામ ખાતે યોજાયું સ્નેહમિલન

ગાંધીધામ, તા. 13 :  પંચરંગી શહેર ગાંધીધામમાં વસવાટ કરતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા ગાંધીધામ ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું હતું. આ વેળાએ સમાજમાં સંગઠન અને એકતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ   રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, પરસ્પર સોહાર્દ અને ગાંધીધામના સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવનાર પ્રસંગ બની રહ્યો હતો. કેન્દ્રીય મંત્રી  ગિરિરાજાસિંહજીએ ઉત્તર ભારત સમાજના લોકોને સંબધોતાં રાષ્ટ્રીય એકતા, સનાતન સંસ્કૃતિ, હિન્દુ સમાજની સંગઠિત શક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા અને સંગઠિત સમાજની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસનાં કાર્યો તથા ભારતની મજબૂત વિદેશનીતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ સતત વધી રહ્યા છે. તેમણે ઉપસ્થિત સૌને છઠ્ઠ મહાપર્વ તથા નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પોતાના ઉદ્બોધનમાં ગાંધીધામના સર્વાંગી વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં પ્રગતિ હેઠળ રહેલા મહાનગરના વિકાસ કાર્યો વેહલી તકે પૂરા કરાશે તેવુ ઉમેર્યું હતું. તેમણે ઉત્તર ભારતીય સમાજના હિત અને વિકાસ માટે  તત્પરતા દર્શાવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે આવનારા સમયમાં ગાંધીધામ એક અગ્રણી ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે વધુ વિકસશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંચાલન દરમ્યાન કંડલા ટિમ્બર એસોસીએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે  ગાંધીધામમાં હાલમાં છઠ્ઠ પૂજા માટે વિવિધ સ્થળોએ નાની-નાની વ્યવસ્થાઓ કરવી પડે છે. શહેરમાં એક સુવ્યવસ્થિત અને કાયમી છઠ્ઠ ઘાટનું નિર્માણ થાય તો સમગ્ર ઉત્તર ભારતીય સમાજ એક જ સ્થળે આ મહાપર્વની ઉજવણી કરી શકશે. તેમણે ઉત્તર ભારતીય પરિવારો, વેપારીઓ અને પ્રવાસીઓની સુવિધા માટે નિયમિત દૈનિક ટ્રેન સેવા શરૂ કરવાની હજુ પણ ખૂબ જ જરૂરી હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ.કે. સિંહ, કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર, ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના પ્રમુખ અખંડપ્રતાપાસિંહ, ગાંધીધામ મહાનગરપાલિકાના અનેક કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો તથા ઉત્તર ભારતીય કચ્છ સેવા સમાજના સભ્યોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd