જીવનનો જંગ જીતીને મોટા સલાયા પહોંચેલા આઠ ખલાસીની
જીવ સટોસટની દિલધડક કહાની ચાર મસ્કત-ઓમાનમાં : એક વતન ઉત્તરપ્રદેશ પહોંચ્યા
દેવેન્દ્ર વ્યાસ દ્વારા
માંડવી, તા. 13 : ડ્રોન
હુમલા વડે તાજેતરમાં ખાડી યુદ્ધની લપેટમાં આવીને શ્વાસ અદ્ધર કરાવી અખાતી સાગરમાં ભોગ
બનેલાં દરિયાઈ માલવાહક એમ.એસ.વી. ક્યુબા 2183 વહાણના ખલાસીઓ અસ્તિત્વ માટેના
જંગમાં વિજયી બની માદરે વતન આવી પહોંચતાં પ્રકાશ પથરાઈ ગયો હતો. સલામત સ્વદેશની ભૂમિ
પર પહોંચ્યા પછી સલાયા ખાતે આવેલા મખ્દુમશા પીર દરગાહ ખાતે દુઆ ગુજારી હતી. પરત ફરવાના પ્રસંગે ભાવુક અને શુક્રાનાનો
કાર્યક્રમ યોજાયો હતો.
કાળ ઉતરી આવ્યો
1300 ટનની ક્ષમતાવાળું વહાણ જનરલ કાર્ગે ભરી સોમાલિયાની સફર
ખેડી રહ્યું હતું ત્યારે ઈરાન નજીક ખસબ બંદર પાસે ડ્રોન હુમલા રૂપે કાળ ઊતરી આવ્યો
હતો. વહાણ બળીને ખાખ થઈ ગયું હતું. જીવ બચાવવા દરિયાખેડુઓએ જીવન સાથે જંગ ખેડ્યો હતો.
13 ખલાસીઓ
પૈકી બે ખલાસીઓ મસ્કત, ઓમાનની હોસ્પિટલમાં સારવાર હેઠળ
છે. કેપ્ટન મજીદ તારમામદ કારાણી તથા તેમના એક સહયોગી સહિત કુલ ચાર વ્યક્તિઓ હાલમાં
મસ્કત, ઓમાન ખાતે છે. એક ખલાસી ઉત્તરપ્રદેશમાં પોતાના વતન પહોંચી
ગયા છે, જ્યારે બાકીના આઠ ખલાસીઓએ આજે મોટા સલાયાની મખ્દુમ હાજી
ઈબ્રાહીમ શાહ દરગાહ શરીફ ખાતે ઝિયારત કરી અને અલ્લાહ તઆલાનો દિલથી શુક્ર અદા કર્યો.
સમર્પિત વહાણમાલિક
આ મુશ્કેલ અને અતિ કપરા સમય દરમિયાન, તારીખ 29 ઓક્ટોબર 2026થી આજદિન સુધી સતત સંપર્કમાં
રહી,
દરેક પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપી, તમામ ખલાસીઓને તેમના ઘર સુધી સલામત પહોંચાડવા માટે તન, મન અને ધનથી અમૂલ્ય-પ્રેરક સંવેદના - યોગદાન આપનાર ઈકબાલ હાજી તારમામદ કારાણીનો
તમામ ખલાસીઓ તથા તેમના પરિવારજનો તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં ઋણસ્વીકાર કરતાં કહ્યું હતું કે આવા સમર્પિત
વહાણ માલિકની નિ:સ્વાર્થ સેવા, માનવતા, સતત પ્રયત્નો અને મુશ્કેલીના સમયમાં આપેલો અમૂલ્ય સહકાર ચિરસ્મરણીય રહેશે. દુઆ છે કે અલ્લાહ તઆલા આ સેવાકાર્યનો
ઉત્તમ બદલો અતા ફરમાવે, આપને તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય, સુખ-શાંતિ અને બરકતભર્યું જીવન અતા ફરમાવે.
આપની સેવા અને માનવતાની ફોરમ હંમેશાં બરકરાર રહેશે એવી લાગણી પ્રદર્શિત કરાઈ હતી.
દેશી વહાણવટું બચાવો
કચ્છી વહાણવટી એસોસિયેશનના પૂર્વ પ્રમુખ હાજી કાસમ
જાફરાબાદીએ અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા, સમય પર દેશી
વહાણવટું ભોગ બનતું હોવાથી સરકારી સ્તરેથી સારવાર કે આનુષંગિક સહાય માટે પર્યાપ્ત પ્રાવધાનો
નસીબ કરાવવાં સમયની માંગ છે. ભાંગી પડેલા વહાણમાલિક બધું ગુમાવી બેસે ત્યારે અન્યને
કેવી રીતે અને કેટલી સહાય આપી શકે તે સવાલ છે. કરોડોની કિંમતનું રોજગારીનું મહામૂલું
વાહન `ટોટલ
લોસ'
થયા પછી પણ ખલાસીઓનો જીવ બચી ગયો એની ખુશી છે. અત્યંત માનસિક તાણ ભોગવીએ
છીએ. પરિવાર અને ખલાસીઓની રોજગારીને ખોવાનો વારો આવ્યો છે. સરકારે દેશી વહાણવટાંને
ટૂંપો દેતી આવી દુર્ઘટનાઓમાં ભોગ બનેલાઓને આર્થિક અને મનોવૈજ્ઞાનિક સહાય આપવી એ સમયની
માંગ હોવાનું વહાણ માલિક પરિવારના ઈકબાલ હાજી તારમામદ કારાણીએ લાગણીઓ પ્રદર્શિત કરતાં
કહ્યું હતું.
ધડાકો થયો ને વીજળી ગૂલ
હતભાગી વહાણમાં સવાર સાગરખેડુ અબ્દુલરઝાક અલીમામદ
ભટ્ટીએ અનુભવ આગળ કરતાં જણાવ્યું હતું કે, તેઓ જહાજમાં
`ઓન
ડયૂટી'
હતા ત્યારે બોમ્બ જેવો ખોફનાક ધડાકો સાંભળ્યો. લાઈટ ચાલી ગઈ,
બ્લેકઆઉટ જેવો માહોલ હતો. કોને ક્યાં કેટલું નુકસાન થયું તે ખબર સવારે
પડી. કેપ્ટને કહ્યું આગ ઓલવી નહીં શકાય, બહાર નીકળો એટલે બોટ
વાટે કૂદી પડયા. 25-30 વર્ષોની સાગરયાત્રામાં આ અનુભવ કલ્પનાતીત રહ્યો.
નોકરીના ચિંતા
ત્રણેક દાયકાઓથી દરિયો ખેડનારા રફીક કાસમ રૂમીએ
હેબતાયેલા સૂરે કહ્યું કે શેઠને કરોડોનું નુકસાન થયું તેનો રંજ સદાય રહેશે. બચી ગયાનો
આનંદ ભલે હોય. હાલ તો માથે હાથ દઈ બેઠા છીએ. નોકરી ક્યારે મળશે તે ઉપરવાળો જાણે
! વહાણ ટોટલલોસ થતાં દસ-બાર કરોડનો ધુંબો શેઠના
પરિવાર ઉપર પડ્યો એ દર્દ કોને કહેવું? સાગરે બીજી સફરે
રહેલા નિખિલ સિધિક સાંગાણીએ બિહામણી દશામાં કહ્યું કે ધડાકા પહેલાં આકાશમાં પ્લેન પસાર
થતું જોયું. ડોકું ફેરવ્યું ત્યાં મિસાઈલ ત્રાટકી અને આગના લબકારાએ વહાણને જડબાંમાં
જકડી લીધું. જીવન સામેનો સંગ્રામ હતો. અલ્લાહે બધાનો જીવ બચાવી દીધો.
ને... હેબતાઈ ગયા
દુર્ઘટના વેળાએ 10 ડયૂટી
ઉપર હતા અને પાંચ જાગતા હતા. મિસાઈલને આવતી બે જણે જોતાં હેબતાઈ જવાયું. કેપ્ટન કેબિન
પાસે આગથી આગળનો ભાગ નીકળી ગયો. ઓમાની ફિશિંગ બોટ, માછીમારોએ
બચાવીને ઓમાન પહોંચતાં કર્યા. અત્યારે ખુશી અને ગમની હાલતમાં છીએ. મોતને સામે જોયેલું
એ દૃશ્ય ભુલાતું નથી એમ આસિફ ઈસ્માઈલ સોઢાએ કંપતા સાદે કહ્યું.
સાગરખોળે ઝંપલાવ્યું
ઓફ ડયૂટી હોવાથી ઊંઘમાં હતા તે દરમ્યાન ભયાનક અવાજથી
જાગ્યા અને આગને બુઝાવવા તમામ કોશિશો નાકામયાબ રહેતાં સાગરના ખોળે ઝંપલાવ્યું. પેટ
છે એટલે પાલન માટે સાગર તો ખેડવો જ પડશે નહિતર પેટનો ખાડો કોણ પૂરે તેવો સવાલ ઊગરી
ગયેલા સલીમ મામદહુશેન બેલીમે સામે ધર્યો હતો. 35 વર્ષોથી સાગર ખેડનારા અને નાની-મોટી
પ્રાકૃતિક આપદાઓ વેઠી ચૂકેલા અનવર જુસબ જુમાણીએ કહ્યું કે, આવો ખોફનાક અનુભવ પહેલો અને યાદગાર છે. રાત્રે ઊંઘમાં હજી પણ સફાળે જાગી જવાય
છે. ખાઈ-પીને સૂઈ ગયા ત્યારે કલ્પના પણ નહોતી કે સવાર અટલી હદે સતામણી નીવડશે.
દોઢ કલાક તર્યા
જીવનમાં પહેલવહેલી સાગરખેડ ખેડનારા 10મું
પાસ અબ્દુલ રઝાક હમીદ થૈમે સોરવાયેલા ચહેરે કહ્યું હતું કે, આગ ઓલવાય એવી સંભાવના નહોતી. જીવન
માટે કલ્પનાતીત અસ્તિત્વનો પડકાર હતો. દોઢેક કલાક પાણીમાં તર્યા પછી તારણહાર નસીબ થયો.
સાગરથી નાતો છે એટલે માથે હાથ દઈ ન બેસાય, એ નાતો કેમ તૂટે?
હોંસલા મજબૂત હૈ!
ઉપરવાળાનો આભાર
આગને અકસ્માતમાં ડાબી આખેં ઈજાગ્રસ્ત જુસબ આમદ
સીદીએ દર્દનાક પરિસ્થિતિ વર્ણવતાં જણાવ્યું કે, આગ ઓલવવાનો પરિશ્રમ
કારગત નહીં નીવડતાં પ્રશ્નાર્થ સર્જાયો અને રહેમ નજરથી બચી શકાયું. એ સમયે છ કલાકની
પાળી (ડયૂટી) ઉપર હતા. ત્રણ જણને ઈજાઓ પહોંચતાં ઓમાનમાં સારવાર હેઠળ છે. અલ્લાહે ઉગારી લીધા એ માટે ઉપરવાળાના શુક્રગુઝાર
છીએ.