ભુજ, તા. 7 : કચ્છ પેરામિલિટરી રિટાયર્ડ
કર્મચારી વેલ્ફેર એસોસીએશન દ્વારા દેશની સરહદોની સુરક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા
વીર શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સન્માન, લાગણી અને સામાજિક જવાબદારીના ભાગરૂપે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે વિશેષ
શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત એસોસીએશનના હોદ્દેદારો અને
સભ્યો દ્વારા ભુજ, અબડાસા, નખત્રાણા,
નલિયા, ગાંધીધામ, આદિપુર
અને મુંદરા સહિતના વિસ્તારોમાં શહીદ જવાનોના પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ શુભેચ્છા પાઠવવામાં
આવી હતી. શહીદ પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી તેમની સુખાકારી પરિવારની પરિસ્થિતિ
અને બાળકોનાં શિક્ષણ અંગે જાણકારી મેળવવામાં આવી હતી. અભિયાન દરમિયાન અબડાસા તાલુકાના
છાદુરા ગામે વીર શહીદ દેવચંદભાઇ સીજુની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો. એસોસીએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ જાળા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ
સોલંકી, બલવંતસિંહ ગોહિલ, સંયોજક એલ. કે.
ગરવા તથા મુખ્ય દાતા ખેતુભા હોથી જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી મનીષાબેન
દેસાઇ સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એસોસીએશન
દ્વારા ભવિષ્યમાં પણ શહીદ પરિવારોના સુખ-દુ:ખમાં સહભાગી થવા અને શક્ય તેટલા મદદરૂપ
થવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે.