વાલિંગ્ટન, તા.7 : વરસાદના સતત વિઘ્ન વચ્ચે રમાયેલી
લો-સ્કારિંગ થ્રિલર મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (ડીએલએસ) પદ્ધતિ
હેઠળ 4 રને પરાજય આપી પાંચ મેચોની વન-ડે શ્રેણીમાં
2-0થી મજબૂત સરસાઈ મેળવી લીધી
છે. ભારતે ન્યૂઝીલેન્ડને માત્ર 134 રનમાં ઓલઆઉટ
કરી જીતનો પાયો નાખ્યો હતો. વરસાદને પગલે 47 ઓવરની કરાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ હારીને બાટિંગ કરતાં
ધબડકો અનુભવ્યો હતો. ડેરિલ મિશેલે લડાયક 55 રન બનાવ્યા પરંતુ અન્ય બેટ્સમેનો ટકી શક્યા નહીં. ભારત તરફથી
ગુરનૂર બ્રારે 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી જ્યારે આકિબ નબી, અંશુલ કમ્બોજ અને અક્ષર પટેલે બે-બે વિકેટ પોતાના
નામે કરી હતી. નબી માટે ટિમ સીફર્ટની વિકેટ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ વિકેટ
રહી હતી. જવાબમાં 135 રનના સુધારેલા
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. જેકબ ડફીએ પ્રથમ
જ બોલે શુભમન ગિલને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો અને ત્યારબાદ વિરાટ કોહલીને આઉટ
કરી દબાણ સર્જ્યું. કાઇલ જેમિસનના સચોટ સ્પેલ સામે ભારતીય ટોપ ઓર્ડર ધ્વસ્ત થતાં સ્કોર
47 રને 4 વિકેટ થઈ ગયો હતો. આ કટોકટીની ઘડીમાં શ્રેયસ
ઐયરે 30 રન અને કે. એલ. રાહુલે 26 રન ફટકારી મોરચો સંભાળ્યો હતો.
નિયમિત અંતરે વિકેટો પડતાં ભારતનો સ્કોર 24.3 ઓવરમાં 113/7 પર પહોંચ્યો
ત્યારે ફરી મૂશળધાર વરસાદ તૂટી પડયો હતો. નિર્ધારિત સમય સુધી રમત શરૂ ન થઈ શકતાં તે
તબક્કે ભારતનો ડીએલએસ પાર સ્કોર 109 રન હતો. ભારતીય
ટીમ પાર સ્કોર કરતાં 4 રન આગળ હોવાથી
અમ્પાયરોએ ભારતને વિજેતા જાહેર કર્યું હતું.