• શનિવાર, 07 નવેમ્બર, 2026

પર્યાવરણ અને ઉત્સવ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરત

આનંદ, ઉલ્લાસ અને રોશનીનાં પર્વ દીપાવલિની ઉજવણીના આરંભનો તખતો તૈયાર થઈ ગયો છે. બજારોમાં ખરીદીની રોનક વર્તાઈ રહી છે અને લોકો આ તહેવાર માટે સજ્જ થઈ ગયા છે. અંધકાર પર પ્રકાશના અને નિરાશા પર આશાના વિજયના આ ઉત્સવ પર દર વખતની જેમ ફરી એક વખત સંયમની અનિવાર્યતા અનુભવાઈ રહી છે. ઉજવણીના ઉત્સાહ કે ઉન્માદમાં બેફામ ફટાકડા ફોડતા લોકો અન્યોના શ્વાસને રૂંધાતો રોકવા માટે જાગૃત રહે એવી હિમાયત થવા લાગી છે. ફટાકડાના સંદર્ભમાં આમ તો સર્વોચ્ચ અદાલત છેલ્લા થોડા વર્ષોથી કડક સૂચનાઓ આપતી હોય છે, પણ આ વખતે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં જીવલેણ બની રહેલા પ્રદૂષણના સંદર્ભમાં ફટાકડા અંગે માત્ર ગ્રીન ફટાકડાની છૂટ આપતો જે ચુકાદો આપ્યો છે તે ખરા અર્થમાં સૌની માટે આત્મમંથન કરવા યોગ્ય છે. દિલ્હી અને એનસીઆર સંદર્ભે સર્વોચ્ચ અદાલતનો આદેશ બહુ સ્પષ્ટ છે. સાતમી અને આઠમી નવેમ્બરે નિયત સમય માટે માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી છે. સાથોસાથ હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને વૃદ્ધાશ્રમોની આસપાસના વિસ્તારોમાં નો ક્રેકર ઝોન બનાવવાની સૂચના પણ અપાઈ છે. સવાલ એ છે કે, દર દિવાળીએ અદાલતને આવી રીતે દરમ્યાનગીરી કરવાની ફરજ શા માટે પડે છે ? દિલ્હી અને એનસીઆરના વિસ્તારમાં આમે પણ હાલે પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. વાહનોના ધુમાડા, ઔદ્યોગિક પ્રદૂષણ અને બાંધકામમાં ઊડતી રજની સાથોસાથ પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા પરાળને બાળવાનો ધુમાડો ચિંતા જગાવી રહ્યો છે, ત્યારે ફટાકડાનો વધારાનો ઝેરી ધુમાડો ખરા અર્થમાં જીવલેણ બની શકે તેમ છે. આવામાં સૌથી વધુ ભોગ બાળકો અને બુઝુર્ગોનો લેવાતો હોય છે. ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણનો કોઈ મહોલ્લો, માર્ગ કે શહેર પૂરતો કહેર મર્યાદિત રહ્યો નથી. આજે તેની અસર સમાજ આખા પર વર્તાવા લાગી છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એર 202પના અહેવાલની નોંધ લઈને અદાલતે કહ્યંy કે, અહેવાલના આંકડા સમાજને હલાવી મૂકે તેવા છે.  અદાલતને આ અહેવાલને ટાંકીને કહેવાયું કે, ભારતમાં વાયુ પ્રદૂષણને લીધે 20.1 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ખરેખર તો ઉત્સવ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની હવે જરૂરત છે. માત્ર ગ્રીન ફટાકડાને મંજૂરી અપાઈ છે, પણ તેને ફોડવાથી હવામાન પ્રદૂષિત થતું નથી એમ માનવું ખોટું છે. એટલે જ અદાલતે નિયત સમયમર્યાદામાં ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપી છે. આવામાં આ નિયમોના કડક પાલન માટે પણ પોલીસ સહિતના જવાબદાર તંત્રોએ હવે સતર્કતા સાથે પગલાં લેવા પર ધ્યાન આપવું પડશે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી અને એનસીઆરના સંદર્ભમાં આ કડક આદેશ આપ્યો છે, પણ દેશના અન્ય મહાનગરો અને નગરોમાં ફટાકડાથી થતાં પ્રદૂષણ તરફ પણ અદાલતે ધ્યાન આપવાની જરૂરત વ્યક્ત થઈ રહી છે. તહેવારોના ઉત્સાહને કાબૂમાં લેવાની નહીં પણ મર્યાદા બાંધવા રાષ્ટ્રવ્યાપી આદેશની અપેક્ષા જણાઈ રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd