નવી દિલ્હી, તા. 7 : ભારતીય પેસ
એટેકના આધારસ્તંભ મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી
હતી. તેણે સોશિયલ મીડિયા પર લાગણીસભર નિવેદન શેર કરી આ 13 વર્ષ લાંબી ઐતિહાસિક સફર પર
પૂર્ણવિરામ મૂક્યું. યોગાનુયોગ, જે તારીખે તેણે પ્રથમ વાર દેશ માટે વ્હાઇટ જર્સી
ધારણ કરી હતી, તે જ તારીખે તેમણે આ ગૌરવપૂર્ણ ફોર્મેટમાંથી વિદાય
લીધી છે.શમીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર ટેસ્ટ ફોર્મેટમાંથી ખસી
રહ્યો છે, વન-ડે અને ટી-20 મેચમાં ભારત તરફથી રમવાનું
ચાલુ રાખશે. ફિટનેસ જાળવવા જરૂર જણાયે તે ડોમેસ્ટિક
ફર્સ્ટ-ક્લાસ મેચો પણ રમશે. વિદાય સંદેશમાં તેણે લખ્યું કે, હું સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું પરંતુ
તેની સાથે જોડાયેલી યાદો કાયમ મારી સાથે રહેશે. ટેસ્ટ ક્રિકેટ માત્ર રમત નહોતી,
જીવનનો મોટો હિસ્સો હતી. કારકિર્દીના ઉતાર-ચઢાવ, ઈજાઓ અને સંઘર્ષના દિવસો યાદ કરતાં તેણે સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને સમર્થકોનો આભાર માન્યો. આ સાથે જ શમીએ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત
કરી, જેમણે તેની પ્રતિભા પર ભરોસો મૂકી તેને રાષ્ટ્રીય ફલક પર
ચમકવાની તક આપી.