• રવિવાર, 08 નવેમ્બર, 2026

કોડાયનો હેડ કોન્સ. 70 હજારની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ભુજ, તા. 8 : કોડાય પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિપુલ દલજીભાઈ ચૌધરીને 70 હજારની લાંચ લેતા લાંચ- રુશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડયો હતો. આ અંગે ભુજના એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદીની બોકસાઈટ ખનિજ ભરેલી આઈવા ડમ્પર ગાડીઓ કોડાય પોલીસ દ્વારા બીએનએસ કલમ 35 મુજબ કબજે લઈ ખનિજ વિભાગ-ભુજ તથા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેની તપાસ આરોપી હે.કો. વિપુલ ચૌધરી કરતા હતા. ફરિયાદીએ ભૂસ્તરશાત્રી ભુજ અને માંડવી કોર્ટમાંથી પોતાનાં વાહનો પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવવા હુકમ મેળવ્યો હતો. આ હુકમને લઈને ફરિયાદી કોડાય પોલીસ મથકે તપાસકર્તા હે.કો. વિપુલ ચૌધરીને મળી હુકમના આધારે વાહનો મુક્ત કરવા વિનંતી કરતાં આરોપી વિપુલે રૂપિયા બે લાખની લાંચની માગણી કરી હતી, ત્યારે રકઝકના અંતે રૂપિયા એક લાખ લેવાની વાત નક્કી થતાં ફરિયાદીએ ત્યારે રૂપિયા 30 હજાર રોકડા આપ્યા હતા. બાકીના સિત્તેર હજાર આપે ત્યારે ફરિયાદીને વાહનોની ચાવીઓ આપવાનો વાયદો કર્યો હતો. આ ગેરકાયદેસર લાંચનાં નાણાં ફરિયાદી આપવા માગતા ન હોઈ ભુજના લાંચ-રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી વિપુલ ચૌધરીએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી. એસીબીએ ગોઠવેલા છટકામાં આરોપી 70 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.  આ છટકાની ગોઠવણી ભુજ એસીબીના પીઆઈ જે.જે. ચૌધરીએ કરી હતી. એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફે સફળ કામગીરી પાર પાડી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd