વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 8 : જેણે સંત
જીવન શિક્ષણને સમર્પિત કર્યું એવા ભુજ મંદિરના શિક્ષણવિદ્ શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી
જ્યાં ભણ્યા એવા કેરા-કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે ડિસેમ્બરમાં ત્રણ દિવસીય પર્વની
આજે જાહેરાત કરી હતી. સમાજનો રમતોત્સવ યોજાયો હતો. નૈરોબીથી યુકે સુધી જ્યાં-જ્યાં
કચ્છી હરિભક્તો હતા ત્યાં-ત્યાં દેવ મંદિરોમાં ભારતીય સંસ્કૃતિ ઉત્થાન માટે માતૃભાષા
ગુજરાતી, દેવભાષા સંસ્કૃત, સંગીત,
નૃત્યના વર્ગ શરૂ કરાવ્યા. ભુજમાં સ્વામિનારાયણ બોર્ડિંગના પાયા નાખ્યા,
ત્યાગીઓના શિક્ષણ માટે ક્રાંતિકારી મક્કમતા દર્શાવી એવા સંત શાસ્ત્રી
સ્વામી ધર્મજીવનદાસજી પૂર્વાશ્રમે બળદિયા મેઘાણી પરિવારના પુત્ર હતા અને 119 વર્ષ પહેલાં બળદિયાથી પગપાળા
ચાલી કેરા ગામે ગુલામાઅલીશાહ પાસેની શાળામાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.
સ્વામીના ઓજસ્વી ત્યાગી જીવનના પાયા કેરાની જેપી અને એસમાં રોપાયા. શાસ્ત્રી સ્વામી
જીવનપર્યંત માતૃ સંસ્થામાં આવતા અને એમના વિકાસ માટે આશીર્વાદ આપતા રહ્યા. ભુજ મંદિરના
વિકાસ અને સંચાલનમાં ક્રાંતિકારી પરિવર્તન કરનાર શાસ્ત્રી સ્વામીએ કરિયંગા તાબા મંદિર, વિલ્સડન લંડનમાં મંદિરો બાંધી આપ્યા ત્યારે
કચ્છી હરિભક્તો પાસે ખાસ આર્થિક સુવિધા નહોતી, એટલું જ નહીં મુંબઈ
ગામદેવીમાં વિશ્રાંતિભવન બંધાવ્યું જેને સમાજ કહેવાય છે. જે શાસ્ત્રી સ્વામીની દૃષ્ટિના
કારણે શક્ય બન્યું. મોટા ભાગના ત્યાગીઓને દુન્યવી
ઉપરાંત શાસ્ત્રીય શિક્ષણ અપાવવા પહેલ કરનાર સ્વામીજીના જીવનમાંથી ન માત્ર સંસારી પણ
ત્યાગીઓ પણ શીખી શકે એવું એમનું જીવન હતું. તેમના શિષ્ય વર્તમાન મહંત પુરાણી સ્વામી
ધર્મનંદનદાસજી પણ નારણપરથી કેરા ભણવા આવતા. આમ બંને ત્યાગી જ્યાં પા-પા પગલી માંડી
એવી સંસ્થામાં પ્રેરણાધામ ઊભું કરાશે. સાથે 10 કરોડના ખર્ચે જિલ્લાની સૌપ્રથમ ચેરિટેબલ ટેકનિકલ ઈન્સ્ટિટયૂટનું
ડિસેમ્બરમાં ખાતમુહૂર્ત કરાશે. સાથે રમતગમતના પ્રોત્સાહન માટે ધનજીભાઈ કરશન વરસાણી
સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બાંધવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. તા. 27, 28, 29 ડિસેમ્બર-2026ના મહોત્સવમાં દેશ-વિદેશની
ચોવીસીને આમંત્રણ અપાયું હતું. કેરા લેવા પટેલ
સમાજ અને યુવક સંઘ આયોજિત દીપાવલિ રમતોત્સવમાં આનંદદાયી પ્રવૃત્તિઓ કરાઈ હતી. ત્યાગી
બહેનોમાં સામબાઈ ફઈ, દેવબાઈ ફઈ,
કાંતા ફઈ, જશુ ફઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ
સમાજના મેઘજીભાઈ ખેતાણી, નવીન પાંચાણી, કેરા મંદિરના મહેન્દ્ર ભૂવા તથા કમિટી સભ્યો સહિતના અનેક આગેવાનો જોડાયા હતા.