• રવિવાર, 08 નવેમ્બર, 2026

ધોળાવીરાનું પ્રવાસન તરસ્યું, નેટવર્કવિહોણું

ચોબારી, તા. 8 : ભચાઉ તાલુકામા આવેલા પ્રવાસનના હબમાં વિશ્વવિખ્યાત ધોળાવીર અને તાજેતરમાં `એ' કેટેગરીમાં સમાવેશ કરાયો તેમજ રોડ ટુ હેવન સાથે રોડ ટુ ઇન્ફીનિટીને કારણે પ્રવાસીઓ પૂર્વ કચ્છ તરફ વળ્યા છે, પરંતુ વિશ્વ ધરોહરમાં પાયાની જરૂરિયાત સમી લાઈટ-પાણીના અભાવે પ્રવાસન ઉપર માઠી અસર પડી રહી હોવાની ફરિયાદોનો દોર ખડીરમાં શરૂ થયો છે. વાગડની ધરતી ઉપર વિશ્વની 40મી ધરોહર તરીકે હડપ્પન સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠેલા ધોળાવીરામાં પ્રવાસીઓનો વધારો નોંધપાત્ર થયો છે. ઘડુલી-સાંતલપુર ગોરી માર્ગની કનેક્ટિવિટી પણ મળી છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરવા માટે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ખાસ કરીને જેના વગર એક મિનિટ પણ ન ચાલી શકે, તે વીજળીની સમસ્યાએ હદ વટાવી છે. ખડીરના જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે શાસન અને પ્રશાસનને વખતો વખત રજૂઆત કરવા છતાં ગેટકો અને વીજતંત્ર રીઢા થઈ ગયા તેમ કોઈનું સાંભળતા નથી. જાગૃત નાગરિકોએ ખડીરના મીટરનું રાડિંગ લઈને પણ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યે છે, જેમાં 140 જેટલા વોલ્ટેજ મળતા હોવાથી ફ્રીજ, પંખા કે એસી ચલાવવા મુશ્કેલ બન્યા છે. એટલું જ નહીં ટાંકા ઉપર પાણી ચડાવવા મોટર પણ ચાલતી ન હોવાની ફરિયાદ હોટલ માલિકોએ કરી હતી.બીજી તરફ આ વર્ષે ચોમાસું નબળું ગયું હોવાથી ખડીરમાં પાણીની સગવડતા નથી. ડેમ -તળાવો કોરા પડયા છે, પરંતુ જ્યાં પાણીની સગવડતા છે, ત્યાં કૂવા કે બોરવેલમાંથી લાઈટ વિના પાણી કેવી રીતે કાઢવું તેવો સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. પ્રવાસીઓનો બીજો મુખ્ય મુદ્દો છે મોબાઇલ નેટવર્કનો અભાવ. નેટવર્ક જ મળતું ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે  છે. હજુ સુધી ભુજ, ભચાઉ કે રાપરથી લાવવામાં આવતી એક લિટર પાણીની બોટલ પર આખું પ્રવાસન નિર્ભર હોવાનું હોટેલ માલિકોએ જણાવ્યું હતું. પ્રવાસનની સિઝનની શરૂઆતમાં જ ખડીરમાં લાઈટ, પાણી અને નેટવર્ક વિના કેવી રીતે પ્રવાસીઓને આકર્ષી શકાય તે એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત અહીં હજુ સુધી એટીએમની સુવિધા પણ ઉપલબ્ધ નથી. કચ્છનું પ્રવાસન  જે રીતે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું છે તેને માઠી અસર પહોંચવાની દહેશત જાગૃત નાગરિકો વ્યક્ત કરી  રહ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd