• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

ગાંધીધામ-આદિપુર સંકુલમાં ટ્રાફિકથી ભારે હાલાકી

ગાંધીધામ, તા. 22 (મનજી બોખાણી દ્વારા) : કચ્છનું આર્થિક હબ ગણાતું ગાંધીધામ આદિપુર સંકુલ આજે ભયાનક ટ્રાફિક વિસ્ફોટના ઉંબરે ઊભું છે. રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો, ગેરકાયદેસરના દબાણો, સરકારી તંત્રની અક્ષમ્ય લાપરવાહીના કારણે આખું સંકુલ ટ્રાફિકની જંજાળમાં ઘૂંટણભેર ડૂબી ગયું છે. દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારોમાં હાહાકાર મચી ગયો છે. છતાં સત્તાધીશો અને પોલીસ પ્રશાસન કુંભકર્ણની  ગાઢ નિદ્રામાંથી જાગવાનું નામ લેતા નથી. સમર્પિત નાગરિકો અને અસંખ્ય વાહનચાલકોની રોજબરોજની પીડા હવે સહનશક્તિની તમામ સીમાઓ વટાવી ચૂકી છે. અહીં દિવસે-દિવસે વાહનોની સંખ્યામાં બેફામ વધારો થઇ રહ્યો છે. બીજી બાજુ રસ્તાઓ પર અંકુશ રાખનાર પોલીસ તંત્રની નિક્રિયતા અને મધપૂડામાંથી મધ ચાટવાની નીતિના કારણે આ સંકુલ ટ્રાફિકની જંજાળમાં ફસાયેલું છે. - અરાજકતાની નાગચૂડ : અહીંની મુખ્ય બજારોમાં અનધિકૃત આર્કેડ, દુકાનો બહારનાં દબાણોએ રસ્તાઓને ટૂંકા કરી નાખ્યા છે. બીજી બાજુ મનફાવે તેમ ગમે ત્યાં ઊભા રહેતા છકડા, જીપડા, તુફાન વાહનો, ખાનગી લકઝરી બસો માર્ગો પર અરાજકતા ફેલાવી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડીને વાહનો પાર્ક કરનારા ચાલકોને કોઇ ડર કે રોકટોક નથી. આવામાં પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, મુખ્ય બજારોમાં પોલીસની ગાડી તો શું સમ ખાવા પૂરતો કોઇ પોલીસકર્મી પણ ન ફરકતો હોવાનું દેખાય છે. શહેર સંકુલમાં અગાઉ કડક ટોઇંગ કાર્યવાહી કરાતી હતી જે કેટલાક વર્ષોથી રહસ્યમય રીતે બંધ કરી દેવામાં આવી છે. - લાખોના વિકાસ કાર્યો : અહીંની મહાનગરપાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયાના માતબર ખર્ચે માર્ગો પહોળા કરવામાં આવ્યા છે અને ઉત્તર-દક્ષિણ (સાઉથ-નોર્થ) વિસ્તારોમાં વિશાળ પાર્કિંગ ઝોન ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, વાહનચાલકો આ નિર્ધારિત ઝોનમાં વાહનો મૂકતા નથી અને પોલીસ પ્રશાસન તેમને ફરજ પાડવામાં સંપૂર્ણપણે નાકામ સાબિત થયું હોવાનું જણાય છે. આ સુવિધાઓ માત્ર કાગળ પર જ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઇ રહી છે. કારચાલકો, અન્ય વાહનચાલકો કોઇપણ નિયમની પરવા કર્યા વગર જ્યાં-ત્યાં વાહનો પાર્ક કરીને ચાલ્યા જાય છે. જેનાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે કોમામાં હોવાની લાગણી પ્રસરી છે. - પોલીસની ઉદાસીનતા : અહીંની મુખ્ય બજારોમાં અગાઉ ટ્રાફિક નિયમન માટે જે સક્રિય કાર્યવાહી કરવામાં આવતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે બેફામ બનેલા વાહનચાલકો નિયમોને નેવે મૂકીને ગમે ત્યાં વાહનો પાર્ક કરીને જતાં રહે છે. આવા લોકોને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. અહીં દંડાત્મક કાર્યવાહીનો અભાવ જણાય છે. - ટ્રાફિક શાખા બેફિકર : આ સમગ્ર કટોકટી પાછળ અંદરખાને ચાલી રહેલું નેટવર્ક જવાબદાર હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે. જાણકારોના આક્ષેપ મુજબ ટ્રાફિક શાખામાં વર્ષોથી ગુંદરની જેમ ચોંટી ગયેલા કેટલાક પલળેલા કર્મીઓના મૂળિયા એટલા ઊંડા છે કે તેમની અન્યત્ર બદલી થવા છતાં આ શાખામાં મધ મળતું હોય તેમજ ગોઠવણી કરીને પરત ગોઠવાઈ જતા હોય છે. અમુક કર્મચારીઓ તો દાયકાથી આ શાખામાં ચિપકેલા છે. જેના કારણે પોલીસ બેડામાં પણ ગણગણાટ છે કે આ શાખામાં એવું તો શું છે? કે ફરી ફરીને પલળેલા કર્મીઓ જાદુઈ રીતે અહીં પરત આવી જતા હોય છે. શાખામાં અમુક પલળેલા કર્મીઓ ટ્રાન્સપોર્ટરો પાસેથી મધપૂડામાંથી મધ લેવા પહોંચી જતા હોવાના પણ આક્ષેપ છે.  પેંધા પડી ગયેલા અમુકને તાત્કાલિક અસરથી સરહદનો રસ્તો બતાવાય તે સમયની માંગ હોવાની લાગણી પ્રસરી છે. - દિવાળીના તહેવારો નજીક : દિવાળીના તહેવારો ટાણે સંકુલની મુખ્ય બજારોમાં વિસ્ફોટક રૂપ ધારણ કરે તે પહેલાં ઉચ્ચસ્તરેથી કોઈ નક્કર પગલાં નહીં ભરાય તો લોકો ટ્રાફિકની ચક્કીમાં પીસાતા રહેશે. દિવાળીના તહેવારોએ છકડા, જીપડા વગેરે વાહનોને મુખ્ય બજારથી દૂર રખાય અને તેમને પ્રવેશ ન અપાય તેવી લાગણી પણ લોકોમાં પ્રસરી છે અને માંગ પણ ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd