• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં માર્ગોના ફૂટપાથનું કામ લોટ પાણીને લાકડા

ગાંધીધામ, તા. 1 : ગાંધીધામમાં મુખ્ય માર્ગોના ફૂટપાથની નબળી ગુણવત્તાની કામગીરી છતી થઈ છે. જૂનીકોર્ટ રોડ ક્રોમા સેન્ટરથી અપના નગર ચાર રસ્તા સુધી જતા માર્ગ ઉપરના પેવર બ્લોક ઠેક-ઠેકાણે બેસી ગયા હતા. વ્યાપક ફરિયાદો પછી એન્જિનિયરોએ આળસ ખંખેરીને અંતે માનીતી એજન્સી પાસે ફૂટપાથની મરામત શરૂ કરાવી છે તો બીજી તરફ હીરાલાલ પારેખ સર્કલથી લઈને સુંદરપુરી પાણીના ટાંકા અને ત્યાંથી અપના નગર ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર ડામર પથરાઈ રહ્યું છે તે બાબતે સવાલો ઊભા થયા છે  અને ડામરના નમુના લઈને તટસ્થ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલવાની માંગ ઊઠી છે.  કોર્પોરેશનના 188 ચોરસ કિલોમીટરના હિત માટે  પદાધિકારી અધિકારીઓએ સક્રિય થવું જરૂરી છે અને બાંધકામ એટલે કે રોડ રસ્તા વિભાગ તથા સફાઈ, પાણી, લાઈટ સહિતના વિભાગો હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી પગલાં ભરવા આવશ્યક છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે અને લોકોને સુવિધા મળી રહે તે માટે આપવામાં આવે છે.  આ લોકોના ટેક્સના પૈસા છે તેનો યોગ્ય ઉપયોગ થાય તે જોવાનું કામ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓનું છે  પરંતુ હાલના સમયે રોડ રસ્તાના કામોમાં ગંભીર બેદરકારીઓ દાખવવામાં આવી રહી છે.   માર્ગોના કામની ગુણવત્તા બાબતે વ્યાપક સવાલો છે તેનું સમાધાન પણ આવતું નથી. સીટી ઇજનેર  અને તેની નીચે એન્જિનિયરોની ફોજ છે છતાં યોગ્ય કામગીરી થતી નથી અને માનીતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરને સાચવવાના ચક્કરમાં નબળી ગુણવત્તાના કામો નજર અંદાજ કરાતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જુની કોર્ટ રોડ ઉપર ફૂટપાથ નું કામ નબળું ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપો છે અને અનેક જગ્યાએ ફૂટપાથ બેસી ગયા હતા અને હાલના સમયે તેની મરામત થઈ રહી છે   તેની કામગીરી ઉપર પણ નજર રખાતી નથી. નબળું કામ કરનાર એજન્સી અને કોન્ટ્રાક્ટરો સામે દંડાત્મક સહિતની કાર્યવાહીનો અભાવ છે.  પરિણામે મનસ્વી રીતે કામો થઈ રહ્યા છે. આ ઉપરાંત શહેરના સેક્ટર વન એમાં જ્યાં બગીચા નું નિર્માણ કરવાનું છે તેની બાજુના માર્ગ ઉપર અનેક જગ્યાએ પેવર બ્લોક બેસી ગયા છે. અનેક વખત કોન્ટ્રાક્ટરે મરામત કરી હતી ફરીથી ત્યાં બ્લોક બેસી ગયા છે. વારંવાર બ્લોક બેસી જવા છતાં પગલાં ન લેવાતા લોકોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો છે. હીરાલાલ પારેખ સર્કલથી અપના નગર ચાર રસ્તા સુધીના માર્ગમાં ડામર પથરાઈ રહ્યો છે ત્યાં ફૂટપાથ નું કામ તથા ડામરની ગુણવત્તા અને જે વરસાદી નાળુ બનાવાયુ છે તેમાં પાણીનો નિકાલ થશે કે નહીં તેની સમીક્ષા કરવી જરૂરી હોવાની માંગ પણ પ્રબળ બની છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd