વસંત પટેલ દ્વારા : મોમ્બાસા (કેન્યા), તા. 1 : જગતમાં ગરીબી, દુ:ખ, લાચારીનો છેડો નથી
તેમ-શ્રીમંતાઇ પણ અંતહીન છે. ગરીબોએ જાતમહેનત કરી ગરીબીની બેલેન્સ ઘટાડવાની છે,
તો અમીરોએ સાચી અને વાસ્તવિક સેવા કરી `દુઆ-આશીર્વાદ'ની બેલેન્સ વધારવાની છે. થોડા દિવસો અગાઉ કચ્છમિત્ર
સાથે મોમ્બાસામાં દિલની વાત કરતાં ભુડિયા એમ્પાયરના ચાર સ્તંભ સૂરજ, ધ્રુવ, કે.પી. અને દર્શક કહે છે અમે આફ્રિકાના દેશોને
રોટી, કપડાં અને મકાનની મજબૂત ગેરંટી આપવા માગીએ છીએ અને એ દિશામાં
વડીલોપાર્જિત ઉદ્યમને ત્રણગણો વિસ્તારી રહ્યા છીએ. શુદ્ધ સેવાનો માણેકસ્તંભ રોપવો છે.
વડીલોનો ઊંચાઇએ ફરકતો કીર્તિ ધ્વજ અડીખમ હતો, છે અને રહેશે. ભુજ
મંદિરના સાધુ-સંતો મોમ્બાસા આવતા રહે એવી લાગણી છે. - કર્મભૂમિ માટે... : કેન્યા,
યુગાંડા જેવા પૂર્વી આફ્રિકી દેશોમાં પોલાદ, સિમેન્ટ, કૃષિની 80 ટકા સપ્લાય
ચેઇન મજબૂત બનાવી રહ્યા છીએ, તો હાલ
ગલાના ખાતે લાખો એકર ભૂમિ નવસાધ્ય કરી કેન્યાને ખાદ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી રહ્યા
છીએ. અન્નના ભંડાર ભરવા છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી,
રેનબસેરાને મકાનની વ્યવસ્થા કરવી છે. ઘટમાં ઘોડા થનગને... જેવા શબ્દો
સાથે હસુભાઇના ભત્રીજા સૂરજ, પુત્ર કીર્તન પટેલ કહે છે, દાદા કાનજીભાઇ, બાપા કેશવલાલભાઇએ વેન્સ મેટલ, ન્યૂમ્બા, મોમ્બાસા સિમેન્ટ, યુગાંડામાં ટોરોરો સિમેન્ટનો મોટો
વ્યવસાય વારસામાં આપ્યો છે. પિતા હસુભાઇએ બમણો, અમે ત્રણગણો કરવા
તરફ ગતિ માંડી છે. - 1958થી શરૂઆત : ઇ.સ. 1958થી શરૂ થયેલ યાત્રા પ્રારંભે હાર્ડવેરની દુકાનથી શરૂ થઇ, લોખંડના પતરાં, ખીલી,
વાયર, એંગલ, 1995માં યુગાંડામાં ટોરોરો સિમેન્ટ, ઇ.સ. 2007માં મોમ્બાસા સિમેન્ટનો કારોબાર
શરૂ કર્યો. આજે ટોરોરોનું ઉત્પાદન બમણું, મોમ્બાસા યુનિટ વિસ્તાર અને નાઇરોબીમાં સાયલો લાખો મેટ્રિક ટન કલીન્કર પીસાઇ
રહ્યો છે. ધમધોકાર ઉત્પાદન થઇ રહ્યું છે. દેશનો 80 ટકા વ્યવસાય જેના હાથમાં છે
તેવા માત્ર 40 વર્ષીય સૂરજ અરવિંદ ભુડિયા
કહે છે, અમે ચારેય ભાઇઓ અત્યારે નવાં-નવાં ક્ષેત્રોમાં
સાહસ કરી રહ્યા છીએ. રાષ્ટ્રની 70 ટકા સિમેન્ટ આપણે એકલા પૂરી પાડી શકીએ તેવડો પથારો છે. - નીતિ, સાહસ,સેવાનો માર્ગ : 29 વર્ષીય કીર્તન ભુડિયાને કે.પી.
કહે છે. તીક્ષ્ણ નજર, સાવધ શબ્દો
અને નાની ઉંમરે દૂરંદેશી દાખવતો આ યુવાન મજબૂત મક્કમ ઇરાદા સાથે કહે છે, વધુ ને વધુ સ્થાનિક રોજગારી, રાષ્ટ્રને સંપૂર્ણ આત્મનિર્ભર
બનાવવું છે. હું સિમેન્ટ-પોલાદની આયાત કરવા નહીં દઉં, બલ્કે આફ્રિકી
દેશો નિકાસ કરે તેવી સ્થિતિ લાવી દેવી છે. હસુભાઇની વિદાય પછી હવે શું ?ના સીધા પ્રશ્નનો સરળ લહેજામાં જવાબ આપતાં તેમણે કહ્યું; પપ્પાએ નીતિ, સાહસ અને સેવા શીખવી છે. અમે તે પંથ જાળવશું.
કેન્યાનું માર્કેટ આવતાં વર્ષોમાં સરભર થઇ જશે. ન્યૂમ્બા ગ્રુપ ઓફ કંપનીઝ ખાસ ધ્યાન
રાખે છે કે, દેશની ગરીબ વ્યક્તિ પણ માથું ઢાંકી શકે, જૂના સંબંધ જાળવવા નવા રસ્તા ખોલવા, `કોઇનું ભુલ્યા નથી અને કોઇનેય ભુલ્યા નથી'નો સિદ્ધાંત છે. - ગલાનામાં કૃષિ-જળક્રાંતિ : અમારી વાત
વચ્ચે અટકાવતાં કર્મઠ વ્યક્તિત્વ ધરાવતા કીર્તન પટેલે સહસા કહ્યું, ચાર્ટર તૈયાર છે, ગલાના
જઈ આવીએ, વિશાળ ભૂમિ, વચ્ચોવચ્ચ નદી,
સ્કાયલાઈનમાંથી 14 ડેમ, 20 જેટલા પીવોટ જે એકાદ કિ.મી.
જેટલા લાંબા છે. સેંકડો મસમોટા પંપ પાણી ધકેલી રહ્યા છે. ગલાના રિવરની બન્ને બાજુની
લાખો એકર ભૂમિ વચ્ચે મોહગો, લાલચટક મીઠી
રસાળ ડુંગળી, શેરડી, સ્થાનિક ઘાસ મહોરી
ઊઠયું છે. લાંબા મશીનો ગ્રેડિંગ કરી રહ્યા છે. ટ્રક મારફતે ઉત્પાદનો શહેરોમાં પહોંચી
રહ્યાં છે. અમેરિકા-યુરોપના કૃષિ વૈજ્ઞાનિકો જમીન, તાપમાન,
બિયારણનું ધ્યાન રાખી રહ્યા છે. ગલાનામાં કૃત્રિમ ડેમ ભરાયા છે. આધુનિક
પંપ વાટે નદીનું પાણી પીયોટમાં ધકેલાઈ રહ્યું છે, શૂન્યમાંથી
સર્જન, ધરામાંથી ધાન, દરેક હાથને કામ,
ભુખ્યાને ભોજન, ભુડિયા જેન-ઝીનો જીવનમંત્ર બની
ચૂક્યો છે. - સેવાકાર્યો
અવિરત : દાદા-પપ્પાની વિદાય બાદ સેવાની બાગડોર ધ્રુવ
અને દર્શક જ્યારે સૂરજ અને કીર્તન સતત વ્યવસાયના વિકાસમાં રત છે. હસુભાઈએ મોટાબાપા
કેશવલાલભાઈને ભેટ આપેલ સહજાનંદ સ્પેશિયલ સ્કૂલ ભાનુબેનના સંવેદનશીલ હૈયે છે. હજારો
દિવ્યાંગોની માતા બન્યા છે. સતત દેખરેખ-માવજત લઈ રહ્યા છે. ભાનુબેન કહે છે, અમારા પરિવારના માતાઓ રતનબેન-વેલીમાનું છત્ર
છે. છોટે કે.પી. ઉર્ફે કીર્તન પટેલનું કહેવું છે કે, સેવાકાર્યો
અવિરત રખાયાં છે. ભવિષ્યમાં વિસ્તાર કરાશે. હસુભાઈની પદ્ધતિ અલગ હતી તે દાનનો દરબાર
ભરતા, આપણે જરૂરતમંદોને જુદી રીતે મદદ કરી રહ્યા છીએ. ભુજમાં
કેશવકાન ફાઉન્ડેશનની સરવાણી સમાજના પ્રથમ સી.એ. આર. આર. પટેલના સમર્પિત હાથોમાં છે
અને રહેશે. કચ્છના વડીલોને અમારા પૂર્વજો સાથે સ્નેહ સંબંધ હતો તે અમે જાળવી રાખશું.
કચ્છમાં કચ્છી લેવા પટેલ સમાજની લાડલી દીકરીઓની માવજત અગ્રતામાં છે તેમ સૂરજ ભુડિયાએ
જણાવ્યું. કન્યા રતનધામ રતનબેન, જ્યારે સૂરજ શિક્ષણધામ સૂરજનાં
નામે, જ્ઞાનવેલી માતા વેલબાઈનાં નામે છે. આ કાર્ય ઐતિહાસિક સીમાચિહ્નરૂપ
છે. - સાચો સમાજપ્રેમી
પરિવાર : 2019માં કચ્છી લેવા પટેલ સમાજના મોભી ગોપાલભાઈ ગોરસિયાએ ગુજરાતના
કન્યા કેળવણી જગતમાં દાખલો બેસાડે તે રીતે હસુભાઈને સમજાવ્યા અને ડિસેમ્બર-23માં 125 કરોડ રૂપિયા 25 વર્ષની જાહેરાત થઈ તે વખતના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા (મિરજાપર)
કહે છે, સૂરજ શિક્ષણધામ, કન્યા
રતનધામ, જ્ઞાનવેલી એકેડેમીનું નામકરણ તે વખતના સક્રિય કાર્યકર
વસંતભાઈ પટેલ, કેસરાભાઈએ યથાર્થ રીતે કર્યું. ભુજ સ્વામિનારાયણ
મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામીએ ભુડિયા પરિવારની પ્રગતિ માટે આશીર્વાદ આપ્યા,
તો કચ્છી દાનવીર સામજીભાઈ જેસામ કહે છે, આ પરિવાર
સાચો સેવાભાવી છે અને મોટું કાર્ય કરી રહ્યા છે. કેશવલાલભાઈને સમાજ સેવારત કરનાર આર.
આર. પટેલ, આર. એસ. હીરાણી, અરજણ પિંડોરિયા
આજે પણ આદર્શ છે, તો હસુભાઈને સ્કૂલે આંગળી પકડી મૂકનાર જે. ટી.
શાહ (જિતેન્દ્રભાઈ), બી. ટી. શાહ બાહુબલીના કટપ્પાની ભૂમિકામાં
છે. માંડવી-કચ્છના આ બે જૈન બંધુઓ પ્રત્યે આ પરિવારને ખૂબ માન છે. પરિવારના કન્યારત્નો
રતનબેન, વેલીબેન, ભાનુબેન, પુષ્પાબેન, ક્રિષ્નાબેન, રીનાબેન,
દીપાબેન, કશિશબેન તથા યાશિકા અરવિંદ ભુડિયા સહિતનો
આ પરિવાર સાચો સમાજપ્રેમી છે તેવી લાગણી દેશ-વિદેશના સર્વે કચ્છી કણબીઓના હૈયે છે,
તો છારોડી ગુરુકુળના માધવપ્રિયદાસજી સ્વામીએ ભુડિયા જેન-ઝીને અમદાવાદમાં
ભણાવ્યા છે. ઉચ્ચશિક્ષણ મેળવેલ આ યુવાનો પાસે માનવતાની આશા છે. મોમ્બમસા, અમદાવાદ, કંપાલા, ભુજ સમાજમાં મોટો
સાથ છે, તો પૈતૃક ગામ ફોટડીને ભુલ્યા નથી. યુ.કે. કોમ્યુનિટીના
અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા કહે છે, આ સાચો સમાજપ્રેમી પરિવાર છે.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશીર્વાદ
છે. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી પ્રત્યે ચારેય યુવાનોને પૂજ્યભાવ છે.