નવી દિલ્હી, તા.1 : એશિયન ગેમ્સમાં
મેન્સ ક્રિકેટ સ્પર્ધાની સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનના વિશાળ અંતરથી પરાજય આપી
ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે આગામી તા.3 ઓક્ટોબરને શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે
સુવર્ણ ચંદ્રક માટે ટક્કર થશે. એશિયન ગેમ્સના ક્રિકેટ ઇતિહાસમાં બન્ને કટ્ટર હરીફ ટીમો
પ્રથમ વખત આમને-સામને ટકરાશે. જો વરસાદના કારણે મેચ ધોવાઈ જાય તો બન્ને ટીમ વચ્ચે મેડલ
સંયુક્ત રીતે વહેંચવામાં આવશે. જાપાનના નિશિન ખાતે રમાયેલી ભારત શ્રીલંકા વચ્ચેની મેચમાં
ભારતે ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 169 રન બનાવ્યા હતા. વિકેટકીપર-બેટ્સમેન
ઈશાન કિશને મુશ્કેલ વિકેટ પર બાજી સંભાળતાં અણનમ 80 રનની સ્ફોટક ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ
માત્ર 21 બોલમાં 38 રન ફટકારી ભારતને આક્રમક શરૂઆત
અપાવી હતી. 170 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકન
બાટિંગ લાઇન-અપ ભારતીય પેસ અને સ્પિન આક્રમણ સામે તૂટી પડયું હતું. શ્રીલંકાની આખી
ટીમ 9.5 ઓવરમાં માત્ર 45 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાના 6 બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 ઓવરમાં 7 રન આપી 2 વિકેટ, અક્ષર
પટેલે 2 ઓવરમાં 8 રન આપી 2 વિકેટ અને
અભિષેક શર્માએ 2 રનમાં 2 વિકેટ ઝડપી હતી. વાશિંગ્ટન સુંદરને 18 રનમાં 1 વિકેટ મળી હતી, જ્યારે શ્રીલંકાના 3 ખેલાડીઓ રનઆઉટ થયા હતા. 10મી ઓવરમાં પાર્ટ-ટાઇમ સ્પિનર અભિષેક શર્માએ
શ્રીલંકાની ઇનિંગ્સ સમેટી લીધી હતી. તેની ઓવરમાં શ્રીલંકાના ત્રણ ખેલાડીની વિકેટ પડી
હતી.