• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

સામખિયાળીમાં યુવાનની હત્યા પ્રકરણે આરોપીને આજીવન કેદનો ચુકાદો

ગાંધીધામ, તા. 1 : ભચાઉના સામખિયાળી ગામમાં પોણા ત્રણ વર્ષ અગાઉ થયેલી રૂા. 50 હજારની લેવડ-દેવડ બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યાના કેસમાં ભચાઉ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી તેને આજીવન કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. સામખિયાળી ગામે રહેનાર મરણજનાર ગફુર ઈસ્માઈલ મન્સુરી અને પાડોશમાં રહેતા આરોપી વિનોદ અમરશી લુહાર (રાઠોડ) વચ્ચે પશુપાલનના ધંધાના કારણે સંબંધ હતા. આરોપી વિનોદે ભેંસોના ઘાસચારા માટે ગફુરભાઈ પાસેથી રૂ. 50 હજાર દસ-પંદર દિવસ માટે ઉછીના લીધા હતા. તા. 23/11/2023ના શાંતિનગર પ્લોટ વિસ્તારમાં દશામાનાં મંદિર પાસે ગફુરભાઈ પોતાના ઉછીના આપેલા પૈસા પરત માગતાં આરોપી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમ્યાન આરોપીએ ભેઠમાં રાખેલી છરી કાઢી યુવાનના પેટ, બગલ, સાથળ, માથાંના ભાગે ઘા ઝીંકી દીધા હતા. બનાવ સમયે મરણજનારના માતા જુલેખાબેન ત્યાં આવી પહેંચતાં આરોપી પોતાની બાઈક લઈને સ્થળ પરથી નાસી છૂટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તપાસ કરનાર અમલદાર પી.આર. પટેલે આરોપીની અટકાયત કરી સી.ડી.આર., એફ.એસ.એલ અહેવાલ, બેંક સ્ટેટમેન્ટ સહિતના મહત્ત્વના પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ભચાઉની અધિક જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ રજૂ કરેલા 22 સાક્ષીઓ, મજબૂત દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. મરણજનારના માતાની જુબાની, ડોકટર, સાહેદોની જુબાની, એફ.એસ.એલ. રિપોર્ટથી આરોપી વિરુદ્ધનો ગુનો નિ:શંકપણે સાબિત થતાં ન્યાયધીશ બી.એલ. ચોઈથાણીએ આ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ કેસમાં સાહેદ તૈયબ ગુલમામદ માણેક તથા સલીમ સુભાન કટિયાએ પોલીસ સમક્ષ આપેલ નિવેદન તથા કોર્ટમાં આપેલ નિવેદનથી વિમુખ થઈ તદ્દન ખોટો પુરાવો કોર્ટ સમક્ષ આપેલ હોઈ તેમને કારણદર્શક નોટિસ આપી તા. 5/10ના કોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd