ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ સંકુલમાં મેઘરાજાની
મહેરથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. 24 કલાક દરમિયાન લગભગ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડયો છે. ગ્રામીણ
વિસ્તારમાં સમસ્યાઓ નહીંવત છે, પરંતુ
શહેરી વિસ્તારમાં આ વરસાદથી અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી, અનેક વિસ્તારોમાં
વરસાદી પાણીના ભરાવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને ઘણા વિસ્તારોમાં
લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા, પરંતુ લાંબા સમય પછી સારો વરસાદ
પડતાં લોકોએ આનંદ માણ્યો હતો. ઘણી જગ્યાઓ ઉપર વાહનો ફસાયાં હતાં, તો અમુક માર્ગો પર જે પાણી ભરાયાં હતાં તેમાં વાહનોની સાફ-સફાઈ પણ કરવામાં
આવી રહી હતી. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સોમવારે સાંજના
છ વાગ્યાથી જ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મધ્યરાત્રિ બાદ મંગળવારના રાત્રિના બે વાગ્યાથી
લઈને પરોઢિયે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન સારો એવો વરસાદ પડયો હતો. સંકુલ પાણીથી લથપથ થઈ ગયું હતું. પાણી ભરાવાની સમસ્યાથી
લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે અને વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયાં
હતાં. માર્ગો ઉપરથી વાહન પસાર કરવામાં સમસ્યાઓ સર્જાઈ રહી હતી. એક બાજુ ચંદ્રની સપાટી
જેવા માર્ગો અને બીજી બાજુ તેની ઉપર ભરાયેલું પાણી લોકો માટે મુસીબત તો બન્યું જ હતું,
પરંતુ લાંબા સમય પછી જે વરસાદ પડયો તેનો આનંદ પણ લોકો માણી રહ્યા હતા.
કોર્પોરેટરોનું માનીએ તો ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાવાની એવી કોઈ વધુ સમસ્યા દેખાણી
નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા
અને તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે. કોર્પોરેટરોને સમસ્યા દેખાણી નથી
અને લોકોનો સમસ્યા નડતરરૂપ થઈ હતી. ગળપાદર તથા પડાણા, ખારીરોહર
તેમજ મીઠીરોહર, ચુડવા અને કિડાણા, ભારાપરમાં
પાણી ભરાવાની સમસ્યા હતી, જ્યારે શિણાય અને અંતરજાળમાં તેના કોર્પોરેટરોના
કહેવા મુજબ પાણી ભરાવાની કોઈ મોટી સમસ્યા સર્જાઇ નથી, પરંતુ મહાનગરપાલિકાની
ગંભીર બેદરકારીને કારણે પાણી ભરાવાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારના માર્ગોને પણ નુકસાન
પહોંચ્યું છે. તાજેતરમાં નવા બનેલા માર્ગોમાં
તો ધીરે-ધીરે ભ્રષ્ટાચાર ખૂલી રહ્યો છે. અત્યાર
સુધી વરસાદ પડયો ન હોવાથી આ ભ્રષ્ટાચાર દબાયેલો હતો અને સાડા ચાર ઇંચ વરસાદે મહાનગરપાલિકાના
વિકાસની પોલ ખોલી નાખી છે અને તેનો ભ્રષ્ટાચાર પણ થતો થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો
નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. - મેઘપર (બોરીચી)માં દીવાલ તોડીને પાણીનો નિકાલ કર્યો : મેઘપર (બોરીચી)ના
સોનલનગરમાં વરસાદી પાણીના જમાવડાથી લોકોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. લોકોએ જિલ્લા
કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી અને મહાનગરપાલિકાને પણ ફરિયાદ કરી હતી, જેના પગલે તંત્રે રાત્રિના આખા વિસ્તારનું નિરીક્ષણ
કર્યું હતું અને વહેલી સવારે ત્યાં આરસીસીની બનેલી દીવાલ તોડીને પાણી નિકાલ કર્યો હતો.
મહાનગરપાલિકાના ગાયત્રીપ્રસાદ જોશી, અર્ણવ બૂચ, પ્રવીણાસિંહ ઝાલા, સેનિટેશન ચેરમેન ગેલાભાઈ ભરવાડ સહિતનાઓ
શહેરમાં નિરીક્ષણ કરીને પાણી નિકાલની વ્યવસ્થા માટે મથામણ કરી હતી.