• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

ભુજ શહેર-તાલુકામાં પાંચ ઈંચ સાથે હરખની હેલી

ભુજ, તા. 15 : ગઈકાલથી ક્યારેક ધીમીધારે, તો ક્યારેક ગતિભેર વરસેલા મેઘરાજાએ ભુજ તાલુકામાં પાંચેક ઈંચ હેત વરસાવ્યું હતું.  - ભુજમાં પાણી ભરાવાની સમસ્યા કાયમ, પણ વરસાદથી લોકો આનંદિત : શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની રાડ ઊઠી છે, તો ક્યાંક ગટરો ઊભરાઈને વરસાદી પાણી સાથે ભળતાં એ વિસ્તારો દુર્ગંધથી પરેશાન થવા સાથે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હોવાની લોક ફરિયાદો ઊઠી હતી. જો કે, વરસાદ સમયની અમુક કાયમી બની ગયેલી સમસ્યાઓને કોરાણે મૂકી ભુજવાસીઓ મોટાબંધમાંથી હમીરસર તળાવમાં આવતાં નવાં નીર નિહાળવા ઊમટી પડતાં મહાદેવ નાકે મેળા જેવો માહોલ ખડો થયો હતો. તો, મકાઈ સહિતના ધંધાર્થીઓને બખ્ખાં થયા હતા. હમીરસરમાં નવાં નીરની આવ નિહાળી લોકો ખુશખુશાલ બન્યા હતા. છેલ્લા ત્રણેક દિવસથી ઉનાળા જેવી ગરમી બાદ પલટાયેલાં વાતાવરણ સાથે મેઘરાજાએ ધીમીધારે એન્ટ્રી કરતાં તપતી ધરતી સાથે ઉકળતા લોકહૈયાને શાતા પહોંચી હતી. ગણેશોત્સવના દિને જ વરસાદના આગમનથી મહોત્સવની ઉજવણીનો આનંદ બેવડાયો હતો. અલબત્ત, અમુક સ્થળે આયોજકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો હતો. - બસ સ્ટેશન માર્ગ બેટમાં ફેરવાયો : વરસાદ પડે એટલે ભુજના અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હવે કાયમી બની ગઇ છે, જેનો નગરપાલિકા સહિતના તંત્ર પાસે કોઇ ઉપાય જ ન હોય તેવું નાગરિકોને લાગી રહ્યું છે. ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તાર તો વરસાદ સમયે બેટમાં ફેરવાઇ જાય છે. ઉપરાંત જ્યુબિલી ગ્રાઉન્ડ, મંગલમ વિસ્તાર તેમજ વોર્ડ નં. 1 અને 2ના અનેક વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. - પાણી ભરાયાં, પણ બે-ત્રણ કલાકે ઓસર્યાં : અત્રે ઉલ્લેખનીય છે કે, બસ સ્ટેશન સહિત વિસ્તારોમાં પાણી બે-ત્રણ કલાકમાં ઓસરી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને કોડકી રોડ, ધારાનગર, અમનનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને હાનિ પહોંચી હોવાનું પૂર્વ વિપક્ષી નેતા કાસમ સમાએ જણાવી ઉમેર્યું કે, લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. - 30 મિટર રિંગરોડ પર વાહનવ્યવહાર ખોરંભાયો : કાસમભાઈએ વધુમાં જણાવ્યું કે, 30 મિટર રિંગરોડ પર પાણી ભરાતાં વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ છે. આ બાબતે હાલના વિપક્ષના નગરસેવક કિશોરદાન ગઢવી સાથે આર એન્ડ બીના નાયબ કાર્યપાલક એન્જિનીયરને રોડ બનતા પહેલાં જ લેખિતમાં રજૂઆત કરી હતી કે, આ માર્ગે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોવાથી નવા રસ્તાનું કામ એ મુજબ કરી પાણી નિકાલ રાખવો. આ બાબત અવગણતાં આજે ઉપરોક્ત માર્ગે બે-બે ફૂટ જેટલા પાણી ભરાયેલાં છે. મંગલમ ચાર રસ્તા પાસે ગટર ઓવરફ્લો : તો, ભુજના મંગલમ્ ચાર રસ્તા પાસે વરસતા વરસાદ વચ્ચે ગટર ઊભરાતાં આસપાસના માર્ગો પર દૂષિત પાણી ફરી વળતાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું.  જીવતા વીજવાયરે ગૌવંશનો ભોગ લીધો : ભુજના રેલવે મથકની સામે મુખ્ય માર્ગે હનુમાન મંદિર પાસે મંગળવારે સવારે ચાલુ વરસાદ દરમિયાન જીવતો વીજ વાયર તૂટી પસાર થતી ગાય પર પડતાં તેનું વીજશોકનાં કારણે પ્રાણપંખેરું ઊડી ગયું હતું. સવારથી લઈને સાંજ સુધી ગાયનો મૃતદેહ માર્ગે પડયો રહેતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હોવાનું વસંત અજાણીએ જણાવ્યું હતું. કોટડા (ચકાર) પંથકમાં ઠંડક પ્રસરી : કોટડા, જાંબુડી, ચકાર, વરલી, બંદરા, અજરખપુર, પદ્ધર, લાખોંદ, કાળી તળાવડી, મમુઆરા, ચંદિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ રાત્રેથી મેઘરાજાએ મન મૂકીને વરસતાં અનેક વિસ્તારોમાં અંદાજે 2.5થી 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વિવિધ નદી-નાળાંઓમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ નીચાણવાળા માર્ગો પરથી વરસાદી પાણી વહેતું જોવા મળ્યું હતું. વરસાદનાં કારણે સમગ્ર ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હોવાનું પ્રતિનિધિ રફીક ચાકીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે. ખેતરોમાં ભેજ વધતાં ખેતીપાક માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ વરસાદથી માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા વધવાથી પશુધનને પણ આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા છે. બંદરાના અગ્રણી જીતુભા જાડેજા અને જટુભા જાડેજાએ જણાવ્યું કે, આ વરસાદ ખેડૂતોના પાક અને માલધારીઓના પશુધન માટે જીવનદાન સમાન છે. ખાવડા બે ઇંચથી પલળ્યું : મ પંથકમાં ગઈરાત્રિથી ઝરમર વરસાદ ચાલુ હતો, વહેલી સવારે ચારથી છની વચ્ચે ધીમીધારે મુખ્ય મથક ખાવડા ખાતે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે કાળા ડુંગર પરથી મેનેજર રણજિતાસિંહએ બે ઇંચ વરસાદના સમાચાર આપ્યા હતા. ધ્રોબાણામાં પણ લગભગ બે ઇંચ વરસાદ થયો હોવાનું જુસબ સમાએ જણાવ્યું હતું. કુરનમાં બે ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું, અગ્રણી જાલુભા સોઢાએ વરસાદની મોસમમાં વીજળી પુરવઠો ખોરવાય ત્યારે બન્ને ખાનગી મોબાઈલ ટાવર પણ બંધ થઇ જતાં સંદેશાવ્યવહારથી વિખૂટા પડી જાય છે તેમ જણાવ્યું હતું. પૂર્વ તરફના ગામો જામકુનરિયા, જુણા, તુગામાં અડધા ઇંચ જેટલો ઓછો વરસાદ થયો હોવાના બિજલભાઇએ વાવડ આપ્યા હતા. પાસી વિસ્તારના ખારી, અંધૌ, દદ્ધર વિ. ગામોમાં પણ દોઢથી બે ઇંચની વાત અગ્રણી ખીમાભાઇ આહીરે કરી હતી. ગાજવીજ વગર તદ્દન સૌમ્ય સ્વરૂપ અને ધીમીધારે હોતાં બધી જળરાશિ જમીનમાં જતાં સોનાં જેવું કહી શકાય. આહીરપટ્ટીમાં દુષ્કાળની ચિંતા ટળી : સમગ્ર કચ્છની સાથે તાલુકાની આહીરપટ્ટીમાં પણ સોમવારની રાત્રિથી મંગળવાર બપોર સુધીમાં વરસાદ થકી દુષ્કાળની ચિંતા ટળી છે અને હાશકારો અનુભવાયો હોવાનું પ્રતિનિધિ રમેશ આહીરે જણાવ્યું હતું. રાયધણપર ગામની મીઠી નદી અને નાગોર ગામની ખારી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વહેવા લાગતા આંખ ઠારે તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. મંગળવારે દિવસભર ગ્રામ્ય વિસ્તારમાં પાંખી જેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો નદી-નાળાં - તળાવોમાં નવાં નીરને નિહાળવા ઊમટયા હતા. મંગળવાર બપોર બાદ આકાશમાં ઉઘાડ નીકળવાની સાથે તડકો જોવા મળતાં ખેતરો પર લીલાછમ દૃશ્યો જોવા મળ્યાં હતાં. અત્યાર સુધી વરસાદના અભાવે ઘાસચારા અને પાણીની તીવ્ર તંગી વર્તાતી હતી, તે હવે દૂર થશે. સાથે જ ખેતરોમાં ઊભેલા રામમોલને જીવતદાન મળતાં સારાં પ્રમાણમાં ઘાસચારો ખેડૂતોના હાથમાં આવશે. બાળક તણાવાની અફવાથી અફરા-તફરી મચી : રાયધણપર ગામની નદીમાં બાળક તણાયું હોવાની ઊભી થયેલી અફવાએ રાયધણપર, ગળપાદર, લાખોંદ, ત્રાયા ગામના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જી દીધો હતો. મંગળવારે બપોરે 12 વાગ્યાના અરસામાં રાયધણપર ગામની મીઠી નદીમાં વહી રહેલા પાણીના પ્રવાહમાં એક બાળક તણાઇ રહ્યું હોવાનો આભાસ કાંઠેથી પસાર થતા કોઇકને થતાં તેમણે રાયધણપર ગામના જાગૃત યુવાનોને જાણ કરી હતી અને ત્યારપછી રાયધણપર -ગળપાદર ગામલોકોમાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં યુવાનો આ નદીના બન્ને કાંઠે બચાવ કામગીરી અર્થે દોડયા હતા. જો કે, બાદમાં પાણીના પ્રવાહમાં બાળક આકારનું કોઇ લાકડું તણાતું હોવાનું માલૂમ થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. કુકમામાં મેઘકૃપા વરસી : ઘેલા તળાવ છલકાયું, ગામ હરખાયું  : ગઈકાલે દિવસ દરમ્યાન ઝાપટાં સ્વરૂપે વરસેલા મેઘરાજા રાત્રે ધારણા મુજબ મન મૂકીને વરસતાં ગામનું ઐતિહાસિક  ઘેલા તળાવ સતત પાંચમાં વર્ષે નવાં નીરથી છલકાઈ જતાં ગામલોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. આવતીકાલે સવારે પરંપરાગત રીતે સમગ્ર ગામ લોકોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કુકમા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રસીલાબેન રાઠોડ દ્વારા ધાર્મિકવિધિથી વધાવવામાં આવશે ત્યારે એક ઉત્સવ જેવો માહોલ સર્જાશે. દહીંસરા પંથક બન્યો ખુશખુશાલ : દહીંસરા પંથકમાં વરસાદનાં પગલે લીલાલહેર થવા સાથે નદી-નાળાં, છેલા વહી નીકળ્યા, વાડી-ખેતરમાં પાણી ભરાયાં હતાં, તેવું પ્રતિનિધિ નરેન્દ્ર ચૌહાણે જણાવી ઉમેર્યું કે, ડેમ, તળાવોમાં ત્રણ વર્ષ સુધી ચાલે તેટલું પાણી જમા થયું છે. બળદિયા, કેરા, કુંદનપર, વાડી- ખેતરોમાં પાણી ભરાયા હોવાનું લેવા પટેલ અગ્રણી રવજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું. ચુનડીથી અગ્રણી સહદેવસિંહ જાડેજાએ રામસાગર, નામોરાઈ, નાનજી તળાવમાં નવાં નીર આવતાં ગણેશ ઉત્સવનો આનંદ બેવડાયો છે. ધુણઈ ડેમ, ચાડવા રખાલ તળાવ, દહીંસરા હરિસરોવરમાં પાલરપાણી પુષ્કળ આવ્યું છે. ગોડપર, જામોરાભંગ, સરલી, જુજુવારી નદી બે કાંઠે વહેતી થઈ હતી.  વાવેતર કરેલા પાકો માટે કાચાં સોનાં રૂપ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આ વિસ્તારના નદી, નાળાં, શેરી, રસ્તામાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં રહેવાસી મુશ્કેલીમાં મુકાયા હતા. વિજયસાગર ડેમમાં નવી આવ આવી હોવાનું, ગજોડ ડેમમાં પણ પાણી આવ્યાનું પુનડીથી ધનાભાઈ રબારી, સુલતાનસિંહ જાડેજાએ કહ્યું હતું. ખેતરો-વાડીમાં પાણી ભરાતાં બહાર કાઢવા ધરતીપુત્રો વહેણ સાફ કરવા જોતરાયા હતા. બળદિયા, કેરા, કુંદનપર, ગજોડ, પુનડી, ધુણઈ, જુમખા, વડઝર, નારાણપર, સૂરજપર, મેઘપર, ગોડપર, ખત્રી તળાવ ભુજ તરફ સચરાચર મેઘો મહેરબાન થઈ વરસતાં મેઘમલ્હારે લીલાલહેર કરાવી દીધા છે. પંથક ખુશખુશાલ થયો છે.  પચ્છમ વિસ્તારમાં સોનું વરસ્યું : પચ્છમ વિસ્તારના નાના દિનારા ગામે ચાલુ થયેલ ધીમીધારે વરસાદે હેત વરસ્યું હોવાનું ફઝલા અલીમામદ સમાએ જણાવી ઉમેર્યું કે, હજી પણ આકાશ વાદળોથી ઘેરાયેલું છે. આ વરસાદ સોરવલો સોનાં જેવો છે. આખા પચ્છમ વિસ્તારમાં વરસાદ કુરનથી જુણા, જામકુનરિયા, ખાવડા સુધી વરસ્યો હતો. આ વરસાદથી ઊભા પાક-મોલને સારો ફાયદો થશે, જેથી પચ્છમ વિસ્તારના ખેડૂત-માલધારીઓ ખુશખુશાલ બન્યા છે. માલધારી વર્ગ હરખાયો : સમગ્ર કચ્છ સહિત સરહદી પચ્છમ વિસ્તાર અને બન્ની-પાંચાડામાં લાંબા ઇંતેજાર બાદ આખરે મેઘરાજા વરસતાં સમગ્ર બન્ની-પચ્છમમાં ખુશી વ્યાપી છે. અછતના ઓછાયા હેઠળના ભણકારામાં સતત ચિંતાતુર માલધારી વર્ગમાં હર્ષની લાગણી ફેલાઇ હતી, તેવું પ્રતિનિધિ મુસા સુમરાએ જણાવી ઉમેર્યું હતું કે, કાળા ડુંગરથી કરી અદાણી ઇ-પાર્કના રણપટ્ટા વિસ્તાર તેમજ સમગ્ર પચ્છમ-પાશી સહિતના પંથકમાં મેઘમહેર થઈ છે. નદી-નાળાંમાં નવાં નીર આવ્યાં છે. સૂકાયેલા રામમોલની ખેતી અને વન વગડામાં મૂરઝાયેલા ઘાસને જીવતદાન મળ્યું છે. પચ્છમમાં નેટવર્કના નખરાનાં કારણે લોકોને વરસાદના વાવડ આપવા મુશ્કેલી સર્જાઇ હતી, તો બોર્ડરના રણપટ્ટામાં પુષ્કળ વરસાદી પાણી ભરાયું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd