• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કપાસ-મગફળીના પાક સુકાવા લાગતાં ખેડૂતોની હાલત કફોડી

વિથોણ, તા. 11 : છુટાછવાયા વરસાદને બાદ કરતાં નખત્રાણા પંથકમાં ક્યાંય વાવણીજોગ વરસાદ થયો નથી. વરસાદની આશાએ કરેલું રામમોલનું વાવેતર વસંત પહેલાં પાનખર જેવું બન્યું છે. ભાદરવો આવ્યો છતાં વરસાદ ન આવતાં વગડાનું ઘાસ પણ સુકાઈ ગયું છે. જેનાથી પશુપાલકો અને પશુઓ માટે હાલ નીચે ધરતી અને ઉપર ખુલ્લું આકાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોનો આધારસ્તંભ ગણાતા આઠમાસી કપાસના પાકમાં જીંડવા આવે તે પહેલાં કરમાવા લાગી છે. કપાસના છોડ પીળા પડી સુકાવા લાગતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાલર પાણીના અભાવે ચોમાસુ મગફળીમાં રોનક દેખાતી નથી, જ્યારે વાલ પણ લકવાગ્રસ્ત બની ગઈ છે. ખેડૂતો માટે ચાલુ સિઝન કપરો કાળ બની ગયો છે. ઘાસ વિના ટળવળતા પશુઓનો ડોળો હવે ખેતી પાકો ઉપર મંડાયો છે. નીલગાય અને જંગલી સૂવરો પાકનું કચ્ચરઘાણ વાળે છે જે ખેડૂતો માટે પડયા ઉપર પાટુ જેવું બન્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જંગલી સૂવરોનું ટોળું જ્યારે વાડી  ઉપર ત્રાટકે છે ત્યારે પાકને ખેદાન-મેદાન કરી નાખે છે, જ્યારે નીલગાયનું ટોળું વાડી ઉપર આવે ત્યારે ખેડૂતોને વાડી છોડી સુરક્ષિત જગ્યા ઉપર સંતાવું પડે છે. પંથકની ખેતીને અત્યારે દુષ્કાળ જેવી સ્થિતિ તેમજ જંગલી જાનવરોના ત્રાસે ખેતી ફસલોને બાનમાં લીધી હોય તેવા દૃશ્યો દરેક વાડીઓમાં જોવા મળે છે. દાડમ, કપાસ અને મગફળીના પાક અત્યારે જંગલી જાનવરોના તાબામાં આવી ગયા છે. ખેડૂતોની વેદનાને વાચા આપવા તંત્ર આગળ આવે તેવી માંગ  ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd