મુંદરા, તા. 10 : મુંદરા પોર્ટ દ્વારા કોડ બંધ કરવાના વિરોધમાં અહીં મુંદરા એમ્પ્ટી કન્ટેનર
યાર્ડ એસોસીએશનનાં નેજા હેઠળ ટ્રાન્સપોર્ટ યુનિયનનાં સમર્થનથી રેલી પછીનું ચાલી રહેલું આંદોલન 11મા દિવસમાં પ્રવેશ્યું હતું અને જ્યાં સુધી
માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી લડત જારી રહેવાનો નિર્ધાર દર્શાવાયો હતો. દરમિયાન, મોખા ટોલ પર દેખાવો, સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો બાદ 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ પદાધિકારીઓને
મળ્યું હતું અને ત્યાં આ મુદ્દે ખાતરી સાથે સરકાર દ્વારા ઉકેલનો આશાવાદ વ્યક્ત કરાયો
હતો. એસો.ના વરિષ્ઠ સદસ્ય અને એડવાઈઝર કિશોરાસિંહ પરમારે જણાવ્યું કે, માંડવી વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ
ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે સાથે રાજકીય આગેવાનો, એમ્પ્ટી યાર્ડ એસો.ના હોદ્દેદારો,
જમીન માલિકો સહિત વિવિધ ક્ષેત્રનાં આગેવાનો સાથેનું પ્રતિનિધિમંડળ ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,
કચ્છનાં પ્રભારી, રાજ્ય કક્ષા મંત્રી કાંતિભાઈ
અમૃતિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને મળ્યું હતું અને કોડ બંધના નિર્ણયથી
તાલુકાના વ્યવસાય તેમજ રોજગારીને કેટલો ફટકો પડશે તેની પત્ર સાથે રજૂઆતો કરી મુંદરામાં કોડ પદ્ધતિ બંધ કરવા માગણી કરી હતી. જેનાં
પ્રતિભાવમાં પોર્ટના મેનેજમેન્ટ સાથે વાત કરીને ઉકેલની ખાતરી અપાઈ હતી. આ સાથે તેમણે
વધુમાં વધુ સંગઠનો અને ગામોનો સહકાર મળ્યાનું ઉમેર્યું હતું. પૂર્વ જિ. પં. કા. ચેરમેન
મહેન્દ્ર ગઢવીએ કહ્યું કે, સરકારી સંસાધનોથી નિર્મિત પોર્ટ એન્ડ
સેઝથી લોકોને પીડા ન થવી જોઈએ એ વાત ગાંધીનગર પહોંચાડી છે. મુંદરા લોકલ ટ્રાન્સપોર્ટ
એસો.ના અધ્યક્ષ ગજેન્દ્રસિંહ જાડેજા, મુંદરા શહેર ભાજપ પ્રમુખ
અરાવિંદ પટેલ, માણશીભાઈ ગઢવી વિ.એ. રહ્યા હતા. પ્રશ્ન કોઈ એક
સંગઠનનો નહીં, સામૂહિક હોવાનું કહ્યું હતું. દરમ્યાન,
સાંજે રંગોલી ગેટ પાસે પત્રકારોને સંબોધનમાં એમ્પ્ટી એસો. પ્રમુખ હરશ્યામસિંહ
પરમારે કન્ટેનર યાર્ડમાં કામ ચાલુ થયાની અટકળો
અને હવે ધરણા કાર્યક્રમ મુદ્દે પ્રશ્ન પૂછતાં સ્પષ્ટતા કરી કે, હડતાળ- ધરણા જારી જ છે. હા, 13 દિવસથી હડતાળને સમર્થન આપનારી
શાપિંગ કંપનીઓની વિનંતી પરથી કન્ટેનર હેરફેર
ગુરુવાર બપોરથી શરૂ કરાઈ છે. આ શાપિંગ લાઈનો એમ્પ્ટી એસો.ની લડતની સાથે જ છે અને રહેશે. ગાંધીનગર
ગયેલા આ પ્રતિનિધિ મંડળમાં મુંદરા તા. ભાજપ પ્રમુખ શક્તસિંહ જાડેજા, મુંદરા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ,
જિ. પં. માજી કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવી, મુંદરા
સુધરાઇ માજી પ્રમુખ અને એસો.નાં એડવાઈઝર કિશોરસિંહ પરમાર, કમિટી
સભ્યો ભાવેન ઠક્કર, ડોસાભાઈ બાતિયા, વાલજીભાઈ
ગઢવી, સામરાભાઇ ગઢવી, સતાર મીઠાણી,
સદામ મીઠાણી અને ધ્રબ સરપંચ અસ્લમ તુર્ક સાથે રહ્યા હતા.