• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યાના આઠ મહિના પછી પણ રામબાગ રોડ બન્યો નથી

ગાંધીધામ, તા. 8 : આઠ મહિના પહેલાં મુખ્યમંત્રીએ ગાંધીધામ આવીને લગભગ 169 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તે પૈકીના 23 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા રામબાગ રોડનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી.  આ માર્ગનું કામ હવે લોકો તથા વાહનચાલકો અને વેપારીઓ માટે મુસીબત બન્યું છે, છતાં સત્તાધીશોને, અધિકારીઓ અને ઇજનેરો દ્વારા પગલાં ભરવામાં ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા તત્કાલીન સમયે કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું તે પૈકીના ઘણા માર્ગો બન્યા છે અને ઘણા માર્ગોના કામ ચાલુ છે, પરંતુ નબળી ગુણવત્તાના કામો થતા હોવાના ગંભીર આક્ષેપો છે. સરકારે લોકોના ટેક્સના રૂપિયા સારા વિકાસકાર્યો અને આધુનિક આઇકોનિક તથા ગૌરવપથ જેવા માર્ગોના નિર્માણ માટે રૂપિયા આપ્યા હતા, પરંતુ અહીં જમીની હકીકત જુદી છે.  રૂપિયા ખર્ચાય છે, પરંતુ હેતુ સાર્થક થતો નથી.  કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ મનસ્વી રીતે કામો કરી રહ્યા છે.  ઇજનેરો સ્થળ તપાસ કરવાની તસ્દી લેતા નથી. પરિણામે માર્ગો નબળી ગુણવત્તાના બન્યા હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આજે ગાંધીધામમાં 286 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે, તેવા સમયે આ બાબતે વહીવટી તંત્રને ટકોર કરે તે જરૂરી છે.  ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીનો ગૌરવપથ રોડ 20 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બને છે, તેની ગુણવત્તા ચકાસણી કરવી જરૂરી છે. આ ઉપરાંત કોલેજ સર્કલથી હીરાલાલ પારેખ સર્કલ રામબાગ રોડ 23 કરોડના ખર્ચે બને છે તથા હીરાલાલ પાર્ક સર્કલથી અપનાનગર ચાર રસ્તા વોલ્કેનો કોમ્પ્યુટર સુધીનો માર્ગ 20 કરોડના ખર્ચે બની રહ્યો છે. આ તમામની ગુણવત્તાની ચકાસણી કરવા માટેની માંગ ઊઠી છે. ઇજનેરોની ફોજ છે, પણ ફિલ્ડમાંથી ગાયબ રહે છે. પરિણામે કેટલી ડામરની ગાડીઓ આવીડામરનું તાપમાન કેટલું, કેટલા એમએમ ડામરની લેયર પાથરવામાં આવી, આ ઉપરાંતની અનેક બાબતો છે, જેની ચકાસણી થતી નથી. તદુપરાંત સાત કરોડના ખર્ચે ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધીનો માર્ગ બન્યો છે અને સાડા પાંચ કરોડના ખર્ચે શિવાજી પાર્ક બગીચા માર્ગ બન્યો છે, અહીં ટેન્ડરની શરતો મુજબ કામ થયું નથી.  તેમ છતાં ઇજનેરો કોન્ટ્રાક્ટરને રૂપિયાનું ચૂકવણું કરી રહ્યા છે. ખરેખર ટેન્ડરની શરત મુજબ કામ થયું છે કે નહીં અને કામની ગુણવત્તા આ બંનેની ચકાસણી જરૂરી છે, ત્યાર પછી જ તેના રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. - મંથરગતિએ થતી કામગીરી : રામબાગ રોડનું કામ ધીમી ગતિએ થઈ રહ્યું છે. તત્કાલીન સમયે પદાધિકારીઓએ કોન્ટ્રાક્ટર એજન્સીને વધારાની ટીમ રાખીને કામ ઝડપથી કરવા માટે કહ્યું હતું, પરંતુ હાલના સમયે ત્યાં કોઈ વધારાની ટીમ હોય તેવું દેખાતું નથી અને કામ મંથર ગતિએ થઈ રહ્યું છે. આ ઉપરાંત કામ પણ બરોબર થતું નથી, જેના પગલે લોકોમાં તેમજ વેપારીઓમાં આક્રોશ છે. આ બાબતે તંત્ર પગલાં ભરે તેવી માંગ ઊઠી છે. - કરોડો રૂપિયાના એક્સેસ અપાયાની ચર્ચા : કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ત્રણ ડામર માર્ગ અને બે બની ગયેલા માર્ગમાં કરોડો રૂપિયાનું એક્સેસ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. તત્કાલીન સમયે ટેન્ડર પ્રક્રિયા થઈ તેમાં શરતો અને અલગ-અલગ કામગીરી લેવામાં આવી હોય છે, તે સમયે એક રકમ નિયત કરવામાં આવી હોય છે તે પછી આ એક્સેસ (રૂપિયાનો વધારો) દેવાની શું જરૂરિયાત ઊભી થઈ તે સહિતના સવાલો છે. જો કે, આ અંગે સંબંધિત અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો નથી, પણ સવાલો અનેક છે, તપાસ કોણ કરશે તે એક મોટો પ્રશ્ન છે. - સુંદરપુરી માર્ગ બેઠો, ક્રોમા સેન્ટરના રોડનો ડામર સેગ્રીકેટ થયો : હીરાલાલ પારેખ સર્કલથી સુંદરપુરી પાણીના ટાંકા અને ત્યાંથી આપનાનગર ચાર રસ્તા સુધીનો આ માર્ગ હીરાલાલ પારેખ સર્કલથી થોડે આગળ સુંદરપુરી બાજુ  ડામર અનેક જગ્યાએ બેસી ગયો છે. આ ઉપરાંત પીજીવીસીએલની મુખ્ય કચેરીથી આગળ સર્કલ પાસે પણ આ રોડ બેસી ગયો છે. હવે તંત્રને આ દેખાતું નથી. આ ઉપરાંત ક્રોમા સેન્ટરથી આપનાનગર ચાર રસ્તા સુધીનો માર્ગ, અપનાનગરથી જૂના પોલીસ સ્ટેશન તરફ જતાં વૃક્ષની આસપાસ ડામર સેગ્રીકેટ થઈ ગયો છે. અહીં રોડ ફાટવાની અને તૂટવાની ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાય છે. કમિશનર દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd