ભુજ, તા. 8 : શહેરમાં મહત્ત્વના રસ્તા વગેરે
સ્થળોએ થયેલા લારીરૂપી દબાણો દૂર કરવાની કાર્યવાહીને શહેરીજનોએ આવકારી છે, ત્યારે ખાનગી બસ સહિતના મોટા વાહનોરૂપી દબાણો
સામે કોઈ કાર્યવાહી ન કરાતાં તંત્રની બેધારી નીતિ સામે જાગૃત નાગરિકે સવાલો ઉઠાવ્યા
છે. એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, શહેરના લેકવ્યૂ રોડ વિસ્તારમાં
વર્ષોથી નાસ્તાના નાના ધંધાર્થીઓ લારીઓ રાખી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ માર્ગે
ટ્રાફિક અને વ્યવસ્થાના નામે લારીવાળા સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓને હટાવવામાં
આવે છે. જો કે, નવાઈની વાત એ છે કે, લારીવાળાઓને
હટાવાયા બાદ તે જ વિસ્તારમાં ખાનગી બસ સહિત અન્ય મોટા વાહનો પાર્ક કરાય છે અને તે વાહનો
લાંબા સમય સુધી ઊભા રહે છે, ત્યારે આ વાહનચાલકો સામે કેમ કાર્યવાહી
કરાતી નથી તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે. તેમણે કાર્યવાહી થાય તો દરેક માટે સમાન રીતે
થાય તેવી તેમણે માંગ કરી છે.