ગાંધીધામ, તા. 8 : શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારની
સામે આવેલા ભંગારના એક વાડામાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના લોકોના જીવ
તાળવે ચોંટયા હતા. અગ્નિશમન દળોએ પાણીનો મારો ચલાવી કલાકો બાદ આ આગને કાબૂમાં લીધી
હતી. આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. શહેરના જીઆઇડીસી
નજીક આવેલા ડીપીએના અમુક ખુલ્લા પ્લોટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર સામે આવેલી અમુક જગ્યાએ ભંગારના વાડા ધમધમે છે.
આવી જગ્યાએ ભંગાર એકત્ર કરી બાદમાં વાયર વગેરેમાંથી તાંબું કાઢવા આગ પણ લગાવાતી હોય
છે. અગાઉ આવી જગ્યાએ અનેક વખત આગના બનાવો બની ચૂક્યા છે. તાંબું કાઢવા કે અન્ય વસ્તુ
કાઢવા આગ લગાડતી વખતે ભયંકર દુર્ગંધ આવતી હોય છે તથા વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે.
આજે સવારે હાઉસિંગ બોર્ડ સામે આવેલા ભંગારના વાડામાં અચાનક કોઇ કારણોસર આગ ફાટી નીકળી
હતી. આ આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. કાળા ડિબાંગ
આ ધુમાડા જોઇને આસપાસના લોકોના જીવ બેસી ગયા
હતા. આગના બનાવની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા, ડી.પી.એ.,
કાસેઝ, ઇફકોના અગ્નિશમન દળો અહીં દોડી આવ્યા હતા
અને આગ ભંગારમાંથી વધુ આગળ ન વધે તે માટે પાણીનો મારો ચલાવ્યો હતો. સતત પાણીના મારા
બાદ કલાકો પછી આ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. આવા બનાવોથી વાતાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાતું
હોવાથી સ્થાનિકોએ જી.પી.સી.બી. દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. સાથે
ગેરકાયદે દબાણો અને ભંગારના વાડા તાત્કાલિક દૂર કરવા પણ લોકમાંગ ઊઠી હતી.