• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

મોદીના કાર્યક્રમ સ્થળે બે સંદિગ્ધ ઝડપાયા

મુંબઈ, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ટાણે જ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે સુરક્ષાવ્યવસ્થામાં મોટી સફળતા મેળવતાં પોલીસે અત્યંત સંવેદનશીલ ગણાતા કાર્યક્રમ સ્થળ પરથી બે શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા હતા. પકડાયેલા શખ્સો પૈકી એક વ્યક્તિ પાસેથી વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નું નકલી ઓળખપત્ર મળી આવ્યું છે, જ્યારે તેની સાથે રહેલા કથિત બોડીગાર્ડ પાસેથી એક બંદૂક જપ્ત કરવામાં આવી છે. વડાપ્રધાનનાં આગમન પૂર્વે જ અતિ-સુરક્ષિત ગણાતા વિસ્તારમાંથી નકલી આઈડીકાર્ડ અને હથિયાર સાથે બે લોકો પકડાતાં સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસનો દોર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની માહિતી અનુસાર, જિઓ વર્લ્ડ સેન્ટર અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત `ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026' કાર્યક્રમને લઈને લોખંડી  સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યક્રમ સ્થળ નજીક બે શખ્સો અત્યંત શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા નજરે પડ્યા હતા. સુરક્ષા જવાનોએ તેમને અટકાવીને પ્રવેશ અંગે પૂછપરછ કરી ત્યારે 24 વર્ષીય મુખ્ય શખ્સે પોતે વડા પ્રધાન કાર્યાલયનો ઉચ્ચ અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. જોકે, સુરક્ષા દળોને તેના હાવભાવ પર શંકા જતાં તેમણે ઓળખપત્ર રજૂ કરવા જણાવ્યું હતું. તપાસમાં આરોપીએ સુરક્ષા સ્ટાફ સમક્ષ પીએમઓના અધિકારી તરીકેનું ઓળખપત્ર રજૂ કર્યું હતું. સ્થળ પર તૈનાત ઉચ્ચ અધિકારીઓ અને સિક્યોરિટી ટીમે આ આઈડી કાર્ડની બારીકાઈથી ચકાસણી કરતાં તે તદ્દન બોગસ અને નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી કે આરોપી પોતાની સાથે એક પર્સનલ બોડીગાર્ડ (અંગરક્ષક) લઈને વટભેર ફરતો હતો. પોલીસે જ્યારે તે બોડીગાર્ડની ઝડતી લીધી ત્યારે તેની પાસેથી એક બંદૂક મળી આવી હતી. સુરક્ષા દળોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બન્નેને કસ્ટડીમાં લઈ હથિયાર જપ્ત કર્યું હતું અને તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકે લઈ જવાયા હતા. અતિ-સુરક્ષિત ઝોનમાં હથિયાર અને બનાવટી દસ્તાવેજો સાથે પ્રવેશવાનો પ્રયાસ સામાન્ય બાબત ન હોવાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની કમાન સંભાળી લીધી છે. 

Panchang

dd