ભુજ, તા. 8 : શહેરના અગ્રણી રહેણાંક વિસ્તારોને
જોડતા અને નાગરિકોની રોજિંદી અવરજવર માટે મહત્ત્વના એવા રાજેન્દ્ર પાર્કથી ખેંગાર પાર્ક
અને ઉમેદનગર કોલોની તરફ જતાં વોક-વે પર હાલ રખડતા શ્વાનોનો ભારે ત્રાસ વધી ગયો છે.
દરરોજ સવારે અને સાંજે સ્વાસ્થ્ય જાળવવા નીકળતા મોર્નિંગ વોકર્સ માટે આ રસ્તો હવે ભયજનક
બન્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ
અને ચિંતાની લાગણી વ્યાપી છે. અહીં દરરોજ રખડતા શ્વાનો દ્વારા લોકોને કરડવાના અને પાછળ
દોડવાના બનાવો સામાન્ય બની ગયા છે. સ્વાસ્થ્ય સુધારવાના આશયથી ચાલવા નીકળતા લોકો શ્વાનોના
હુમલાના ડરથી માનસિક તણાવ અનુભવી રહ્યા છે. જેથી `સ્વાસ્થ્ય સુધરવાના બદલે બગડે' તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ ગંભીર સમસ્યા
પાછળ જીવદયા પ્રેમીઓની અવિચારી પ્રવૃત્તિ પણ એટલી જ જવાબદાર હોવાનું સ્થાનિકોનું માનવું
છે. કેટલાક જીવદયા પ્રેમીઓ આ વોક-વે વિસ્તારમાં ખુલ્લામાં જ ખાદ્યપદાર્થોનું વિતરણ
કરે છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્વાનો ત્યાં જમા થાય છે.
આ પ્રવૃત્તિને લીધે વિસ્તારમાં અતિશય ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, જે આરોગ્ય માટે પણ મોટો ખતરો ઊભો કરે છે. સ્થાનિક રહેવાસીઓ અને મોર્નિંગ વોકર્સ
દ્વારા જીવદયા પ્રેમીઓને નમ્ર અપીલ કરાઈ છે કે તેઓ આ જાહેર વોક-વે વિસ્તારમાં ખાદ્યપદાર્થોનું
વિતરણ કરવાનું બંધ કરે. સાથોસાથ, સંબંધિત નગરપાલિકા તંત્ર આ વિસ્તારમાંથી
શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને ગંદકી દૂર કરવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં
ભરે તેવી પણ માંગ ઉઠવા પામી છે. ભુજના રાજેન્દ્ર પાર્ક પાસે શ્વાનોનો આડિંગો. રાજેન્દ્ર પાર્કથી ખેંગાર પાર્ક અને ઉમેદનગર કોલોની
તરફ જતાં વોક વે પર શ્વાનોના કારણે મોર્નિંગ વોકમાં નીકળતા લોકોમાં ભય. જીવદયા પ્રેમીઓ
ખાધ પદાર્થનું આ વિસ્તારમાં વિતરણ ન કરે તેવી લોકોની માંગ. બીજી બાજુ કેટલાક સેવાભાવીઓ
કુતરાને બિસ્કિટ ચાલુ ગાડીએ ખવડાવતા હોય છે. બીજાની સોસાયટીમાંથી ગાડીમાં પસાર થઈ શ્વાન
જુવે તો બિસ્કિટ ગાડીમાંથી બેઠા-બેઠા ફેંકે છે એ જાણતા નથી કે આજ કુતરા બૈ પૈડાવાળા
વાહન પર જતી મહિલાઓ પાછળ દોડે છે જેનાથી અકસ્માત સર્જાય છે તેવું પણ જાગૃત નાગરિકોએ
જણાવ્યું હતું.