વડોદરા, તા. 8 (પ્રતિનિધિ) : વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ આજે અહીંના એમ. એસ. યુનિવર્સિટીના મેદાન ખાતે આયોજિત નમો ફોર વિકસિત ભારત કાર્યક્રમમાં
2800 કિલોમીટરના ડેડિકેટેડ ફ્રેઇટ
કોરિડોર સહિતના રૂા. 35 હજાર કરોડનાં
વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. તેમણે ફરી એકવાર વિપક્ષોની તુલના
`નારાજ ફુફાજી' એટલે નારાજ ફુવા સાથે કરી હતી અને કહ્યું હતું
કે, યુવાઓ `જૂઠ કી ગુંજ'થી ભ્રમિત થશે નહીં. હું અહીં વિકાસની યાત્રાને ગતિ આપવા આવ્યો છું. ભારત ચિપથી
શિપ સુધીની બાબતોમાં ઉત્પાદનની નવી ગાથા આલેખી રહ્યું છે. ગુજરાતની મુલાકાત દરમ્યાન
શ્રી મોદીએ નવસારીમાં ભાજપના અદ્યતન કાર્યાલય કમલમનું ઉદઘાટન કર્યું હતું. એ પછી મુંબઈ
ગયા હતા. આ પ્રસંગે વડાપ્રધાને વડોદરાવાસીઓના સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી અને
શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવા હું તમારી વચ્ચે આવ્યો છું. વિકાસકાર્યોનાં
લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે તમામને અભિનંદન.
તેમણે સ્વચ્છતાથી સ્વાગત અભિયાન માટે વડોદરાના દરેક નાગરિકની સરાહના કરી હતી.
મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા તહેવારો
દરમિયાન સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત પર હોય છે. છેલ્લા એક અઠવાડિયાથી વડોદરામાં સ્વચ્છતાનું
વાતાવરણ જોવા મળ્યું છે. ગણેશજીનાં આગમન સાથે વડોદરાને તેમના આશીર્વાદ મળશે તેવી લાગણી
પણ તેમણે વ્યક્ત કરી હતી. - 10 વર્ષ સુધી ફાઇલને કોરિડોર ન મળ્યો : વડાપ્રધાને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો
ઉલ્લેખ કરતાં અગાઉની સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2004માં ફ્રેઇટ
કોરિડોરનો વિચાર આવ્યો, 2006માં કંપની બનાવવામાં આવી, પરંતુ 2014 સુધી ફાઇલો અહીંથી ત્યાં ફરતી
રહી. ફાઇલને કોરિડોર મળ્યો નહીં. 2014માં ગુજરાતે તેમને દિલ્હી મોકલ્યા બાદ સરકાર બદલાઈ અને કામને
ગતિ મળી. આઠ વર્ષમાં એક કિલોમીટર પણ ફ્રેઇટ કોરિડોરનું કામ થઈ શક્યું નહોતું, જ્યારે આજે અમે 2,800 કિલોમીટરનું કામ પૂર્ણ કરી
બતાવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
હવે `નારાજ ફુફાજી'ને આ કોરિડોરની આલોચનાનું નવું કામ મળી ગયું
છે. અમે 50 હજાર રેલવે
કોચ બનાવ્યા પણ અગાઉના 10 વર્ષમાં 50 હજાર શૌચાલય પણ બન્યા નહીં.
મોદીએ ફ્રેઇટ કોરિડોરને વિકસિત ભારતની જીવનરેખા ગણાવી કહ્યું હતું કે, તે વેપાર માટેનો મુખ્ય આધાર બનશે. મુંબઈથી વડોદરા વચ્ચે માલગાડીઓનાં સંચાલનનો ઉલ્લેખ
કરતાં તેમણે જણાવ્યું હતું કે એક માલગાડીમાં આશરે 250 ટ્રક જેટલો માલ લઈ જવાની ક્ષમતા
રહે છે. આથી ઝડપી અને મોટાપાયે માલ પરિવહન શક્ય બનશે. - રેલ-રોડથી રોજગારીની તકો વધશે : વડાપ્રધાને રેલવે, બંદર, માર્ગ, મેટ્રો, વિમાનમથક અને ગેસ જોડાણ સહિતના માળખાકીય વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે,
આ સુવિધાઓથી માત્ર લોકોનું જીવન સરળ બનતું નથી, પરંતુ રોજગારીની નવી તકો પણ ઊભી થાય છે. - ચિપથી શિપ સુધી નિર્માણ : મોદીએ આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે ભારત `િચપથી શિપ સુધી' નિર્માણની નવી ગાથા લખી રહ્યું છે. દેશને જરૂરી
સામાન અને ઉત્પાદનો ભારતમાં જ બનાવવામાં આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. સૌર
ઊર્જા અંગે તેમણે જણાવ્યું હતું કે, અગાઉ સૌર પ્રોજેક્ટ મોંઘા
હતા, પરંતુ ભારતમાં જ ઉત્પાદન શરૂ થવાથી ખર્ચ ઘટાડવામાં મદદ મળી
છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 55 લાખ ઘરો પર સૌર ઊર્જા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં 11 લાખ ગુજરાતના ઘરોનો સમાવેશ
થાય છે. આ પરિવારો વીજળીના ગ્રાહક સાથે વીજળી ઉત્પાદક પણ બન્યા હોવાનું તેમણે કહ્યું
હતું. - એઆઇમાં સુપર પાવર : વડાપ્રધાને કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ)ના ક્ષેત્રમાં ભારતને આગળ
લઈ જવાની વાત કરી હતી. તેમણે યુવાનોને એઆઈના ક્ષેત્રમાં આગળ વધવા અને નવી ટેકનોલોજી
અપનાવવા આહવાન કર્યું હતું. સરકાર દરેક ક્ષેત્રમાં કામ કરી રહી હોવાનું જણાવી તેમણે
કહ્યું કે, ભારત એઆઈ ક્ષેત્રે સુપર
પાવર બનવા માટે આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું
કે, આજના સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ કૌશલ્ય પણ જરૂરી છે. નવી શિક્ષણનીતિ દ્વારા શિક્ષણ વ્યવસ્થાને નવાં સ્વરૂપમાં
પરિવર્તિત કરવામાં આવી છે.