હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 8 : કચ્છ જિલ્લામાં પહોંચનારા નર્મદાના
એક મિલિયન એકર ફિટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન ગુજરાત સરકારના જળસંપત્તિ
વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, આ એક મિલિયન એકર ફિટ પાણી ટપ્પર ડેમ ખાતે પમ્પિંગ સ્ટેશનમાંથી પાઈપલાઈન થકી
વિવિધ સિંચાઈ યોજનાઓમાં પહોંચાડવાનું તબક્કાવાર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજનની ત્રણ મુખ્ય લિંક-સધર્ન લિંક,
નોર્ધન લિંક અને સારણ લિંક પૈકી જે નોર્ધન લિંક ફેઝ-1 અને ફેઝ-2નું 94 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. - ટપ્પરથી નિરોણા ડેમ પાઇપલાઇન
: આ અંગે કચ્છ સિંચાઈ વિભાગના ક્ષાર અંકુશ
વિભાગના કાર્યપાલક ઈજનેર સોનુકુમાર સિંઘે આપેલી વિગતો મુજબ નોર્ધન ફેઝ-1ના પ્રથમ તબક્કામાં આ લિંક થકી રૂા. 1394.11 કરોડના ખર્ચે અંજાર તાલુકાના
ટપ્પર ડેમથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં
આવનાર છે, તેમાં કુલ 151 કિ.મી. પાઇપલાઇન છે, જેમાં મુખ્ય પાઇપલાઇન-121 કિ.મી. અને ફીડર પાઇપલાઇન-30 કિ.મી.ની છે. - પદ્ધર-મમુઆરા પાસે પમ્પિંગ
સ્ટેશન : નોર્ધન લિંકમાં ટપ્પર ડેમ પાસે મુખ્ય પમ્પિંગ
સ્ટેશન-1નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી
2400 મિ.મિ. વ્યાસની ટ્વીન લાઈન
દ્વારા પાણી મુખ્ય પમ્પિંગ સ્ટેશન-2 રાપર (ખોખરા) સુધી લાવવામાં આવશે. અહીંથી આ જ ટ્વીન લાઈન આગળ
વધશે અને ઝુરણ, ધાણેટી, મમુઆરા, પદ્ધર, કાસવતી અને ઝીંકડી
ફીડર સુધી પાણી પહોંચાડશે. આ જ ટ્વીન લાઈન પર ફીડર પમ્પિંગ સ્ટેશન-1 (પદ્ધર) ખાતે અને ફીડર પમ્પિંગ
સ્ટેશન-2 (વરનોરા) ખાતેનું પણ નિર્માણ
કરવામાં આવી રહ્યું છે, જેનાથી આગળ
વધીને આ લાઈન થકી રૂદ્રમાતા, લોરિયા, બાઉખા
ખાતે પાણી ઠાલવવામાં આવશે. બાઉખા ફીડર બાદ મેઈન લાઈન આગળ વધશે અને તેના દ્વારા કાયલા
ફીડરથી કાયલા ડેમ ખાતે અને અંતે નખત્રાણાના નિરોણા ડેમ ખાતે પાણી ઠાલવવામાં આવશે. આ
લિંકનું કાર્ય પરિપૂર્ણ થતાં કુલ 12 સિંચાઈ યોજના લાભાન્વિત થશે,
જેનાથી નખત્રાણા અને ભુજ તાલુકાના કુલ 22 ગામના 36,392 હેક્ટર વિસ્તારનો કાયાકલ્પ
થશે અને 37,896 લોકોને પૂરતાં પાણીની ઉપલબ્ધિની
ભેટ મળશે.હાલની તારીખે આ પ્રોજેક્ટની ફિઝિકલ કામગીરી 94 ટકા જેટલી પૂર્ણ થઈ છે, જે આગામી માર્ચ-2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
હેઠળ છે. - નોર્ધન લિંકથી નરા સુધી પાણી
: બીજીતરફ નોર્ધન લિંક ફેઝ-2ના બીજા તબક્કામાં થયેલી કામગીરી વિશે જણાવતાં
શ્રી સિંઘે કહ્યું હતું કે, આ લિંક થકી
રૂા. 900.90 કરોડના ખર્ચે નખત્રાણા તાલુકાના
નિરોણા ડેમની નજીક મકનપર ગામ પાસે મુખ્ય પમ્પિંગ સ્ટેશન-3થી લખપત તાલુકાના નરા ડેમ સુધી 80.965 કિલોમીટરની મુખ્ય પાઇપલાઇન
અને 39.123 કિલોમીટરની ફીડર પાઈપલાઈન દ્વારા
પાણી પહોંચાડવામાં આવનારું છે. - મકનપર પાસે
પમ્પિંગ સ્ટેશન-3 : તેમણે વધુમાં કહ્યું
કે, નોર્ધન લિંક ફેઝ-2માં નિરોણા ડેમની નજીક મકનપર ગામ પાસે મુખ્ય
પમ્પિંગ સ્ટેશન-3નું નિર્માણ
કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 1600થી 2600 મિ.મિ. જુદી-જુદી વ્યાસની લાઈન
દ્વારા પાણી નરા ડેમ સુધી લાવવામાં આવશે. આ લાઈન પર ઙિજ-3, ઙિજ-4, ઙિજ-5 અને ઙિજ-6નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આગળ વધીને આ લાઈન થકી ઊલટ, ખારડિયા, દેવસર, ગડાપૂઠાં,
ઝાલુ, ચાવકડા, મથલ,
ઉમરપર, વિગોડી અને ગજણસર ફીડર ખાતે પાણી ઠાલવવામાં
આવશે. આ લિંકનું કાર્ય પરિપૂર્ણ થતાં કુલ 13 સિંચાઈ યોજના લાભાન્વિત થશે,
જેનાથી નખત્રાણા અને લખપત તાલુકાના કુલ 25 ગામના 31,681 હેક્ટર વિસ્તારની કાયાકલ્પ
થશે અને 25,883 લોકોને પૂરતાં પાણીની ઉપલબ્ધિની
થશે અને ખાસ કરીને અંતરિયાળ ગામોમાં પાણીની અછત દૂર થશે. હાલની તારીખે આ પ્રોજેક્ટની
ફિઝિકલ કામગીરી 84 ટકા જેટલી
પૂર્ણ થઈ છે જે પણ આગામી માર્ચ-2027 સુધીમાં પૂર્ણ
કરવાનું આયોજન હેઠળ હોવાનું શ્રી સિંઘે જણાવ્યું
હતું. આ કામગીરી પૂર્ણ થતાં ભુજ, નખત્રાણા
અને લખપત તાલુકાના ગામોને પાઈપલાઈન વાટે નર્મદાનું પાણી મળતું થઈ જશે. જળાશયો ભરી શકાશે.