નલિયા, તા. 5 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
નલિયા ખાતે આવેલી પ્રાંત કચેરી મધ્યે ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા અને પ્રાંત અધિકારી
કે. કે. કરમટાના અધ્યક્ષ સ્થાને તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં
તાલુકાના પડતર પ્રશ્નો અને પ્રજાલક્ષી મુશ્કેલીઓ બાબતે વિગતવાર ચર્ચા કરી ધારાસભ્ય
દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ
જાડેજાએ ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનાં
પાણીની વ્યવસ્થા અને પશુધન માટે ઘાસચારાના વિતરણની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા
સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે માટે તંત્રએ સજાગ રહેવું અનિવાર્ય
છે.આ ઉપરાંત, આરોગ્ય સેવાઓની સ્થિતિ, સિંચાઈના
પ્રશ્નો અને પશુપાલન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી રસીકરણની કામગીરી અંગે પણ બેઠકમાં
ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પીજીવીસીએલ વિભાગને લગતી વીજ સમસ્યાઓ, ગામડાંઓના બિસમાર માર્ગોનું સમારકામ, શિક્ષણની સુવિધા
તેમજ વન વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ પર ધારાસભ્યએ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું અને
તમામ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા કડક સૂચના આપી હતી. આ સંકલન બેઠકમાં
મામલતદાર અરાવિંદ નીનામા, તા.પં પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા સહિત
તાલુકાના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.