કોડાય (તા. માંડવી), તા. પ : સિંચાઈ માટેનું પાણી અચાનક બંધ કરાતાં પિયાવા ખાતે 320 નર્મદા કેનાલ ગેટ પર 400 જેટલા ખેડૂતે હલ્લાબોલ કર્યો
હતો અને નિયમિત પાણી આપવા માંગ કરી હતી. પિયાવા,
કોડાય, મસ્કા, બાગ,
નાગલપુર અને પીપરી સહિતના ગામોના આશરે 400 જેટલા ખેડૂત આજે 320 નર્મદા કેનાલ ગેટ ખાતે એકત્ર
થયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ તા. 3 સપ્ટેમ્બરની રાત્રે ગેટ ઓપરેટરોને જાણ કર્યા વગર ઉપરથી અચાનક
કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પાણી ખેંચવા માટે ચાલુ રહેલી અંદાજે 30 જેટલી મોટર બળી જતાં કિસાનેને
મોટું આર્થિક નુકસાન થયું હોવાની રોષપૂર્વક રજૂઆત ખેડૂતોએ કરી હતી. પિયાવા, મસ્કા, પીપરી,
કોડાય, ગુંદિયાળી, નાગલપુર
અને બાગ સહિતના ગામોના ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોના કહેવા મુજબ વરસાદ ન વરસતાં હાલે
દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં જો નર્મદા કેનાલ મારફતે નિયમિત પાણી
આપવામાં આવે, તો ખેડૂતો ઘાસચારા સહિતના પાકનું વાવેતર કરી શકે
અને પશુધન માટે ઘાસચારાની
અછતને હળવી કરવામાં મદદ મળી શકે તેમ છે. મોટરોને નુકસાન ન થાય તે માટે દરેક ગેટ અથવા
પેકેજમાં આશરે 1થી 1.5 મીટર જેટલી પાણીની ભરતી જાળવી રાખીને પાણી નિયમિત આપવા માંગ
કરાઈ હતી. કચ્છમાં મેઘરાજાના રિસામણાના પગલે કિસાનો,
પશુપાલકોની હાલત કફોડી બની છે, ત્યારે સિંચાઈ નિગમ
અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે પૂરતું ધ્યાન આપી કેનાલનું પાણી નિયમિત રીતે મળી
રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને ખેડૂતોને
સમયસર અને સતત પાણી મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે
તેવી માંગ ઊઠી છે.