ભુજ, તા. 5 : કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક
સંઘ દ્વારા રાજ્ય સંઘના આદેશ અનુસાર શિક્ષક દિનની 5મી સપ્ટેમ્બરના જિલ્લાના તમામ શિક્ષકોને કાળી પટ્ટી બાંધીને
પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિરોધરૂપે શાળાઓમાં ફરજ બજાવવા આદેશ આપતાં આઠ હજાર શિક્ષકોએ
કાળી પટ્ટી બાંધી વિરોધમાં જોડાયા હતા. તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો આદેશ 2010 પહેલાંના સેવારત શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (ટેટ) ફરજિયાત
બનાવવાનો મુદ્દો દેશભરના શિક્ષણ સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સાથે જૂની
પેન્શન યોજના (ઓપીએસ) તાત્કાલિક પુન:સ્થાપિત કરવાની માંગ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની
ચિંતાઓમાંની એક છે. આ બાબતને અ.ભા.પ્રા. શિ. સંઘની સૂચના મુજબ ગુ.રા.શિ. સંઘ દ્વારા
જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ધરણાં કરી આવેદનપત્રો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને
આપી અને દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણમંત્રીને પહોંચાડી આ બાબતે યોગ્ય કરવા
જણાવ્યું હતું. 5મી સપ્ટેમ્બર
રાષ્ટ્રીય શિક્ષક દિવસે શિક્ષકોની મુખ્ય માંગણીઓ સંદર્ભે રાજ્યના તમામ શિક્ષકોએ કાળા
પટ્ટા/કાળી પટ્ટી ધારણ કરી બ્લેક બેજ વિરોધ દર્શાવવા રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ
જાડેજા અને મહામંત્રી જૈમિન પટેલ દ્વારા આદેશ અપાયો હતો. કચ્છ પ્રાથમિક શિક્ષક સંઘના
પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી
કેરણા આહિર, રાજ્યસંઘના હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, જિલ્લા સંઘના હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા
ઉપરાંત વિવિધ તાલુકા સંઘના પ્રમુખ, મહામંત્રીઓ, ગ્રુપ પ્રતિનિધિઓ, આચાર્યો સહિતનાઓ જોડાયા હતા. તા. 6થી 9 ઓકટોબર નવી દિલ્હી જંતર મંતર ખાતે એક ઝોનલ ધરણાં યોજાશે. જેમાં
ગુજરાત રાજ્યને તા. 7મી ઓકટોબર
ફાળવવામાં આવી છે.