• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ખાવડા પીએચસી-સીએચસી કેન્દ્રમાં પૂરતી સુવિધા ન મળે, તો ઉગ્ર આંદોલનની ચીમકી

ભુજ, તા. 24 : ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના નેજા હેઠળ ખાવડા તેમજ સમગ્ર કચ્છમાં પ્રાથમિક અને સામૂહિક અરોગ્ય કેન્દ્રોની કથળેલી આરોગ્ય વ્યવસ્થા સુધારવામાં ન આવે, તો ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠન તેમજ ખાવડા વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. સોમવારે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખાવડા તેમજ સમગ્ર કચ્છમાં પ્રાથમિક અને સામૂહિક સેન્ટરોમાં આરોગ્ય સેવાઓ કથળી છે, 26 વર્ષથી મુખ્ય ડોક્ટરોની ભરતી કરવામાં આવી નથી. આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા ડોક્ટરો નથી, નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે, દવાઓનો અભાવ છે, લેબોરેટરી અને એક્સ-રે જેવી પ્રાથમિક સુવિધાઓ બંધ હાલતમાં છે, ગરીબ અને છેવાડાના દર્દીઓને સારવાર માટે 70-80 કિ.મી દૂર ભુજ સુધી ધક્કા ખાવા પડે છે, 108 એમ્બ્યુલન્સ સેવા સમયસર પહોંચતી નથી, આ કારણે ખાવડા, કાળા ડુંગર અને સરહદી ગામોના લોકોનાં સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં થઈ રહ્યા છે, સંગઠન તેમજ ખાવડા વિસ્તારના આગેવાનોએ માંગ કરી છે કે, ખાવડા સીએચસીમાં તાત્કાલિક ધોરણે પૂરતા એમબીબીએસ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, તમામ પીએચસી સેન્ટરો પર નિયમિત દવાઓ, પૂરતો સ્ટાફ અને 24 કલાક આરોગ્ય સેવા ચાલુ કરવામાં આવે. આગામી 15 દિવસમાં આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે, તો ભીમ આર્મી ભારત એકતા મિશન તેમજ ખાવડા વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  આ રજૂઆત સમયે ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત, અધ્યક્ષ હરિભાઈ પરમાર, મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહીમ હાલપોત્રા, આંતરાષ્ટ્રીય ભીમ સેના મયૂર મહેશ્વરી, કાયનાતબેન અંસારી, સૈયદ કાદરશા, અનીસભાઈ જુણેજા, મોહસીન હિંગોરજા, સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Panchang

dd